ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની સત્તાના મુખ્ય કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસમાં, તે ઉપરાંત અમેરિકાની સરકારના વિવિધ વહિવટી વિભાગોમાં ભારતીયોનો દબદબો દિવસે દિવસે વધતો જાય છે. રાષ્ટ્રના પ્રમુખ જો બાઇડેને એરોસ્પેસ અને ડિફેન્સના ક્ષેત્રમાં એક્સપર્ટ ગણાતા ભારતીય મૂળના રવિ ચૌધરીનું નામ પેન્ટાગોનના એક ઉચ્ચ પદ માટે નોમિનેટ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કરી દીધો હતો એમ વ્હાઇટ હાઉસે કહ્યું હતું. યુએસ એરફોર્સના ભૂતપૂર્વ અધિકારી અને પાઇલટ એવા રવિ ચૌધરીનું નામ એરફોર્સ ફોર ઇન્સ્ટોલેશન, એનર્જી એન્ડ ધ એન્વાયરમેન્ટ વિભાગના મદદનીસ સેક્રેટરીના પદ માટે ગુરૂવારે નોમિનેટ કરાયું હતું.
જો કે રવિ ચૌધરી પેન્ટાગોનના આ અતિ મહત્વના ગણાતા પદ માટે હોદ્દો અને ગોપનિયતાના સોગંદ લે તે પહેલાં અમેરિકાની સેનેટની મંજૂરી લેવાની રહેશે. આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ એરફોર્સ ફોર એનર્જી, ઇન્સ્ટોલેશન એન્ડ ધ એન્વાયરમેન્ટ એ અમેરિકાના એરફોર્સની એક સિવિલિયન પાંખ છે.
- Advertisement -
આ પાંખની જવાબદારીમાં વ્યૂહાત્મક સ્થળોએ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ ફેસિલિટી ઉભી કરવી, અને આ કાર્યવાહી દરમ્યાન પર્યાવરણની સુરક્ષા અને સલામતિ જાળવવી, સમગ્ર એરફોર્સના કર્મચારીઓના આરોગ્યની કાળજી લેવા સંબંધી વિવિધ કામકાજ સંભાળવા અને અમેરિકન એરફોર્સકાર્યરત તૈયારીઓની જાળવણી કરવા જેવી વિવિધ પરજોનો સમાવેશ થાય છે એમ યુએસ એરફોર્સની વેબસાઇટમાં કહેવામાં આવ્યું હતું.
રવિ ચૌધરીએ અગાઉ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે પોતાની સેવા આપી હતી તે વિભાગમાં ચૌધરી ડિરેક્ટર ઓફ એડવાન્સ પ્રોગ્રામ તરીકે કામ કરતાં હતા. ચૌધરીએ 1993 થી 2015 સુધી યુએસ એરફોર્સમા સક્રિય ડયુટી બજાવી હતી, જે દરમ્યાન તેમણે વિવિધ પ્રકારની ઓપરેશનલ, એન્જિનિયરિંગને લગતી પરજો બજાવી હતી એમ વ્હાઇટ હાઉસે કહ્યું હતું.