જૂનાગઢને સારા રસ્તા મળશે કે, પછી પરંપરા ચાલી આવશે ?
શહેરના રોડ પર માંડ માંડ થીગડા માર્યા અને ફરી ધોવાયા
સ્થાનિક નાગરિકો કહે છે કે, થીગડાં તો માર્યા પણ ભ્રષ્ટાચારી!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢમાં થોડા મહિના પેહલા આવેલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્થાનિક નેતાઓને ટકોર કરી હતી કે, 19 વર્ષ થયા હવે તો મહાનગરના લોકોને સારા રોડ – રસ્તા અને સુવિધા મળવી જોઈએ તેવું જાહેર મંચ પરથી કહ્યું હતું મુખ્યમંત્રીની વાત સાચી હતી પણ જૂનાગઢ શહેરની નબળી નેતાગીરી અને પદાધિકારીની ખેંચતાણ અને અધિકરીઓની મનમાનીના લીધે શહેરીજનો અનેક સુવિધાથી હજુ વંચિત છે અને મુશ્કેલીનો સામનો કરી બળાપો કાઢે છે. જૂનાગઢ શહેરમાં વરસાદે વિદાઈ લીધી હોઈ તેવું માનીને મહાનગર પાલિકા દ્વારા પાંચ થી 6 દિવસ અગાઉ શહેરના તૂટેલા ફૂટેલા રસ્તા પર થીગડા મારી ડામરનો પેચવર્ક કરવામાં આવ્યું હતું અને લોકોને થોડે ઘણે અંશે રાહત મળે તેવી કામગીરી શરુ કરી હતી પણ ફરી વરસાદ શરુ થતા રોડ પરના નબળા થીગડાના પેચ વર્ક ફરી ખાડારાજમાં ગરક થયા હતા અને શહેરના અનેક વિસ્તારો ફરી એકવાર જૂનાગઢ ખાડારાજ તરીકે જોવા મળી રહ્યું છે. અને સ્થાનિક નાગરિકો બિસમાર અને તૂટેલા ફાટેલા રસ્તાઓથી યાતના ભોગવી રહ્યા છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં જેમ પંચાયતથી લઈને પાર્લામેન્ટરી સુધી ભાજપનું શાશન છે તેમ જૂનાગઢ મનપામાં છેલ્લા 20 વર્ષથી વધુ ભાજપનું શાશન છે છતાં સારા અને ટકાઉ રોડ આપવામાં સારેઆમ નિષ્ફળ રહી છે. શહેરીજનો કહે છે કે, જે રીતે રોડ – રસ્તાની કામગીરી કરવામાં આવે છે તેની ગુણવતા એટલી નબળી છે કે, વરસાદ વરસ્યો નથી કે, રોડ તૂટી જાય છે. એટલે એ વાત સાબિત થાય છે કે, નબળા મટીરીયલનો ઉપયોગ કરીને નબળા રોડની કામગીરી થવાને કારણે શહેરના અનેક રસ્તાઓ થોડા વરસાદમાં તૂટી જાય છે. ત્યારે થીગડાં તો માર્યા પણ ભ્રષ્ટાચારી ! એવા સવાલો કરી રહ્યાં છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે.
ખાડારાજથી લોકોને કમર દુ:ખાવો અને વાહનોને નુકશાની
જૂનાગઢ શહેરની વર્ષો જૂની પરંપરા મુજબ ચોમાસુ શરુ થયું નથી કે, રોડ – રસ્તા તૂટવાના શરુ થઇ જાય છે. થોડા વરસાદ માંજ રસ્તાની હાલત અતિ બિસમાર બનવાના કારણે નાગરિકોને કમરના દુ:ખાવા વધ્યા છે તેની સાથે વાહનને ભારે નુકશાન થાય છે જેમાં જમ્પ તૂટવા, ટાયરોમાં નુકશાની અને બાઈક હોઈ કે, કારને વારંવાર રીપેરીંગ કરાવી પડે છે તેની સાથે અનેક લોકો તૂટેલા ફાટેલા રસ્તાના લીધે પડી જવાના બનાવો વધ્યા છે. અને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અને વાહનો પલટી મારે ત્યારે ગંભીર ઇજાના કારણે મૃત્યુ પણ નીપજે છે.