STની સ્પે.બસ સર્વિસોમાં પોલીસ બંદોબસ્ત સાથે પ્રશ્ર્નપત્રો જિલ્લા મથકો પર પહોંચાડાશે
રાજકોટ શહેર-જિલ્લામાં બોર્ડના 78430 વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે તંત્ર સજજ
- Advertisement -
કલેકટર દ્વારા અધિકારીઓને માર્ગદર્શન અપાયું: 400થી વધુ પ્રાથમિક શિક્ષકોને સોંપાઈ વિશેષ ફરજ
જિલ્લાના સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને 2નાં અધિકારીઓને ફરજ પર મુકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.27 ગુરૂવારથી પ્રારંભ થનારી ધો.10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુચારૂ રૂપથી લેવાય તે માટેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
- Advertisement -
જેમાં ધો.10ના સૌરાષ્ટ્ર ઝોનના પેપરો પણ રાજકોટ આવી પહોંચતા તેને ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ શીલ કરી દેવામાં આવેલ છે. ચૌધરી હાઈસ્કુલ ખાતેથી ધો.10ના પેપરો સૌરાષ્ટ્રના 11 જીલ્લાઓના મુખ્ય મથકો પર પોલીસ બંદોબસ્ત સાથે એસટીની સ્પે.બસ સર્વીસમાં શિક્ષણ બોર્ડના સચિવની ઉપસ્થિતિમાં જ રવાના કરવામાં આવશે.
અહી એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર જીલ્લામાં ધો.10 અને 12ની પરીક્ષા સુચારૂરૂપથી લેવાય તે માટે ગઈકાલે કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જીલ્લા પરીક્ષા સમીતીની ખાસ બેઠક મળી હતી. જેમાં કલેકટર પ્રભવ જોશી દ્વારા પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ વિજ પુરવઠો જળવાઈ રહે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર જીલ્લામાં 78000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે. એ પરીક્ષા માટે ધો.10ના પાંચ ઝોન ધો.12 સામાન્ય પ્રવાહના ચાર ઝોન અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ ઝોન નિયત કરવામાં આવ્યા છે. ધો.10ની પરીક્ષા 40 કેન્દ્રો અને 127 શાળાઓની બિલ્ડીંગો પરથી લેવાશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 19 કેન્દ્રો અને શાળાઓની 91 બિલ્ડીંગો પરથી તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છ કેન્દ્રો અને શાળાઓની 37 બિલ્ડીંગો પરથી લેવાશે. આ પરીક્ષા માટે કુલ 305 બિલ્ડીંગો ઉપયોગમાં લેવામાં આવનાર છે.
બોર્ડની આ પરીક્ષામાં પ્રાથમિક શાળાઓના 400થી વધુ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે તેમજ જીલ્લાના સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને 2નાં અધિકારીઓને ફરજ પર મુકવામાં આવનાર છે.