માસ્ટરના વિદ્યાર્થીઓને પાર્ટનર લાવવાની મંજૂરી ન હોવાને કારણે અને યુકેની આર્થિક સ્થિતિ અને તાજેતરના રમખાણોને કારણે ભારતમાંથી યુકે જતાં વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો
બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જનારાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો થયો છે જે આ ક્ષેત્રની નાણાકીય સ્થિરતા માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્ર ઊંચી ફી, તાજેતરનાં યુકેનાં રમખાણો અને નોકરીની નબળી સંભાવનાઓ ભારતીય વિદ્યાર્થીઓનાં ઘટાડા માટે જવાબદાર માનવામાં આવે છે. યુકે ઉચ્ચ શિક્ષણનાં નિયમનકાર ઓફિસે, શુક્રવારે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતનાં વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ 2022-23માં 139914થી ઘટીને 2023-24માં 111329 પર આવી છે, જે 20.4 ટકાનો ઘટાડો દર્શાવે છે.
- Advertisement -
નાઇજિરિયન વિદ્યાર્થીઓ 25897થી ઘટીને 32192 થયા અને બાંગ્લાદેશનાં વિદ્યાર્થીઓ 5202 થી વધીને 7425 થયા છે. જાન્યુઆરી 2024 થી સપ્ટેમ્બર 2024 ની વચ્ચે 2023 ની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરફથી 16 ટકા ઓછી વિઝા અરજીઓ આવી હતી. રિપોર્ટનો અંદાજ છે કે 2025-26 સુધીમાં યુકેની યુનિવર્સિટીઓની વાર્ષિક આવક 3.4 બિલિયન ઘટી જશે અને સેક્ટરમાં 1.6 બિલિયનની ખાધ જોવા મળશે, પરિણામે 72 યુનિવર્સિટીઓ ખાધનો સામનો કરશે. આનાથી અભ્યાસક્રમ અને યુનિવર્સિટી બંધ થવાની સંભાવના છે.
ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન યુકેના પ્રમુખ અમિત તિવારીએ જણાવ્યું હતું કે, માસ્ટરના વિદ્યાર્થીઓને પાર્ટનર લાવવાની મંજૂરી ન હોવાને કારણે અને યુકેની આર્થિક સ્થિતિ અને તાજેતરની રમખાણોને કારણે ભારતમાંથી યુકે જવાનો રસ ઘટ્યો હતો. નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકેના સ્થાપક અને અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ તેનાં બદલે જર્મની , આયર્લેન્ડ , યુએસ અને મધ્ય પૂર્વ તરફ જઈ રહ્યા છે . તેણીએ જણાવ્યું કે અભ્યાસ પછીનાં વર્ક વિઝાની મૂંઝવણ, કુશળ કામદારોના પગારમાં ઘટાડો અને યુકેમાં નોકરીઓની અછતને કારણે ભારતીયો યુકે જવાનું ટાળી રહ્યાં છે.