મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી જલ્દી જ મળી જશે. મહારાષ્ટ્ર ચુંટણીના પરિણામ બાદ કોણ નવા મુખ્યમંત્રી બનશે તેની ચર્ચાએ જોર પકડયું હતું. ત્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પસંદગી ઉતારવામાં આવી છે. મળતી માહિતી મુજબ આજે એટલે કે 2 અથવા 3 ડિસેમ્બરે વિધાયક દળની બેઠક મળશે જેમાં ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે 2જી અથવા 3જી ડિસેમ્બરે વિધાયક દળની બેઠક થશે, જેમાં ફડણવીસને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસ અગાઉ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બીજી વખત તેમણે ઓક્ટોબર 2019માં સીએમ તરીકે શપથ લીધા હતા. જોકે, બાદમાં તેમણે 3 દિવસ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. તે પછી તેઓ 2022થી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે. ફડણવીસ 1999થી દક્ષિણ પશ્ચિમ નાગપુરથી ધારાસભ્ય છે. આ વખતે તેઓ છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ રહી ચૂક્યા છે.
- Advertisement -
દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ
મહારાષ્ટ્રમાં 288 સભ્યોની વિધાનસભાના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મહાયુતિને જંગી બહુમતી મળી છે. મહાયુતિએ 233 બેઠકો મેળવી છે. ભાજપને 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી છે. જો કે પરિણામના 10 દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામને લઈને ઘણી ચર્ચાઓએ જોર પકડયું હતું પણ હવે આ ચર્ચાને અંતે આજે કે કાલે સત્તાવાર રીતે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર કરવામાં આવશે. આઉટગોઇંગ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાના ભાજપના નિર્ણયને સમર્થન આપશે.
શ્રીકાંત શિંદે બનશે ડેપ્યુટી સીએમ?
- Advertisement -
પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા અને ગૃહ વિભાગ પર શિવસેનાના દાવા અંગે એકનાથ શિંદેએ કહ્યું કે, મહાગઠબંધનના ભાગીદારો ભાજપ, એનસીપી અને શિવસેના સાથે બેસીને સર્વસંમતિથી સરકારની રચના અંગે નિર્ણય કરશે.
5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ
મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ કાર્યક્રમ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે.વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. એનડીએના સાથી પક્ષો ખાસ કરીને શિવસેનાની આકાંક્ષાઓ વધી છે. મહાયુતિના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સાથી પક્ષો સંયુક્ત રીતે નક્કી કરશે કે શું માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે શપથ લેશે અથવા મંત્રીઓને પણ શપથ ગ્રહણ કરવામાં આવશે.
એકનાથ શિંદે પોતાના ગામથી પરત ફર્યા
શુક્રવારે એકનાથ શિંદે નવી સરકારની રચનાની ફોર્મ્યુલાથી ખુશ ન હોવાની અટકળો વચ્ચે સતારા જિલ્લામાં તેમના મૂળ ગામ જવા રવાના થયા હતા. પરંતુ તેઓ સ્વસ્થ થઈને પાછા ફર્યા છે તેમણે કહ્યું હતું કે, “મેં પહેલેથી જ કહ્યું છે કે સીએમ પદ પર બીજેપી નેતૃત્વ જે નિર્ણય લેશે તે મને અને શિવસેનાને સ્વીકાર્ય હશે અને તેને મારું સંપૂર્ણ સમર્થન હશે.”તેમની તબિયતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ” હવે સ્વસ્થ છે અને થોડો આરામ કરવા માટે તેમના વતન ગામમાં આવ્યા છે.”
NCP ગઠબંધન વગર શિવસેનાએ જીતી હોત વધારે સીટ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ કહ્યું કે, જો અવિભાજિત શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો અમે વધુ બેઠકો જીતી શક્યા હોત. શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે દાવો કર્યો હતો કે જો અજિત પવારની NCP ગઠબંધનનો ભાગ ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી ચૂંટણીમાં 90-100 બેઠકો જીતી શકી હોત. શિવસેનાએ માત્ર 85 બેઠકો પર ચૂંટણી લડી હતી.