ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધા હોવાની ફરિયાદ ઉઠતા મોરબી નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી અને આવાસ યોજનામાં ખડકાયેલ 4 જેટલા ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દિધુ હતું.
મોરબી શહેરના નવલખી બાયપાસ વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલાક લોકોએ ગેરકાયદે બાંધકામ ખડકી દીધા હોવાની નગરપાલિકા તંત્રને ફરિયાદ મળી હતી જે બાદ પાલિકા દ્વારા આગાઉ ત્રણ નોટિસ આપી આ બાંધકામ હટાવી દેવા સુચના આપવામાં આવી હતી જોકે સ્થાનિકો દ્વારા બાંધકામ હટાવવામાં ન આવતા મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અને દબાણ હટાવ શાખાના હિતેશભાઈ રવેશિયા સહિતની ટીમ એ ડિવિઝન પોલીસના કાફલા સાથે પહોંચી હતી અને અલગ અલગ 4 જેટલા ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દિધા હતા અને જગ્યા દબાણ મુક્ત કરાવી હતી. સાથે સાથે આવાસ યોજનાં હોદેદારોને ફરી આ પ્રકારનું દબાણ ન કરવા તાકીદ કરી હતી તેમજ જો ફરીવાર આ રીતે ગેરકાયદે દબાણ થસે તો કાયદેસર કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી હતી.