હવે પાછળ જઈ શકાય એમ નથી, આગળ વધવાનો કોઇ અર્થ નથી, હવે કોઇ ચમત્કારની આશા નથી!
સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી
- Advertisement -
પૂરતી રાજકીય સમજનો અભાવ, નક્કર આયોજન કે બ્લુપ્રિન્ટ વગરની ચળવળ, અમુકની નેતા બનવાની મહત્ત્વકાંક્ષા, ઘણી બાબતોમાં અતિશયોક્તિ, અવળા સમયની પસંદગી અને આંતરિક વિખવાદના કારણે પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન એવા તબક્કે આવીને પહોંચી ગયું છે કે જ્યાંથી પરત ફરવું હવે શક્ય જ નથી અને આગળ વધવાથી કોઈ મોટો ફેર પડી જવાનો નથી. આંદોલન ભલે વિધિવત રીતે પૂર્ણ નથી થયું, પણ અત્યંત નબળું પડી ગયું છે અને જમીન સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યું છે. હવે કોઇ ચમત્કાર જ તેને પુનજીર્વિત કરી શકે છે અને આ કિસ્સામાં ચમત્કારની આશા નહિવત છે.
રૂપાલાએ નિવેદનમાં રાજા-મહારાજાઓ વિશે કહ્યું હતું. તેમ છતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ ત્યાં સુધી પણ વાત બરાબર છે. નિવેદનોનાં અર્થઘટન પણ થતાં હોય છે. તેને સાદા-સરળ અર્થમાં ન લઇ શકાય. એટલે જ ક્ષત્રિય સમાજમાં વિરોધનો ગણગણાટ શરૂ થયો ત્યારે પરષોત્તમ રૂપાલાએ એક વિડીયો બાઈટ થકી માફી માંગી લીધી હતી. પણ પછી પણ વિરોધ ચાલુ રહ્યો તો ભાજપે મામલો ગંભીરતાથી લેવા માંડ્યો અને પહેલાં સી. આર પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી અને પછી પણ નિરાકરણ ન આવ્યું તો ગોંડલના રાજપૂત અગ્રણી અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાને કામ સોંપવામાં આવ્યું. જયરાજસિંહે પોતાના ફાર્મ હાઉસ પર એક બેઠક યોજીને મામલો થાળે પાડવા માટે આગેવાની લીધી. આ બેઠકમાં રૂપાલા પણ હાજર હતા ને ત્યાં તેમણે ફરી માફી માંગી.
જયરાજસિંહ અને બેઠકમાં હાજર સમાજના આગેવાનોએ પણ રૂપાલાને માફી આપવાની ઘોષણા કરી. એક તબક્કે લાગ્યું કે મુદ્દો પૂર્ણ થઈ ગયો છે પણ પછી મહિલા અગ્રણીઓ આગળ આવી અને રૂપાલા સામે મોરચો માંડી દીધો. આ આંદોલને વેગ પકડ્યો ત્યારે પછી ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિ આગળ આવી અને આંદોલનની બાગડોર સમિતિના હાથમાં આવી ગઈ. માફી માંગી લીધા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું ને નવી માંગ રૂપાલાની ટીકીટ રદ કરવાની કરવામાં આવી. હવે સંકલન સમિતિ કે આગેવાનો ભલે કહેતા રહેતા હોય કે તેમનું આંદોલન રાજકીય નથી, પણ ટીકીટ રદ કરવાની માંગ આખરે રાજકીય જ થઈ કહેવાય. એ પાર્ટીનો વિષય છે અને પાર્ટીઓ સરળતાથી આવા મોટા નિર્ણયો લઇ શકતી નથી, તેમણે અનેક બાબતો વિચારવી પડે છે. સામી ચૂંટણીએ એક સમુદાયની માંગ સંતોષે તો બીજો સમુદાય નારાજ થાય કે પાર્ટીમાં આંતરિક વિખવાદ ઉભો થાય જેવી અનેક બાબતો પાર્ટીએ જોવી અને વિચારવી પડે છે.
- Advertisement -
ભાજપે શા માટે ટિકિટ રદ્દ ન કરી?
પ્રશ્ન એવો પણ થાય કે ભાજપે આખરે શા માટે ટીકીટ રદ ન કરી? તો આ નિર્ણયમાં આશ્ચર્યજનક કશું જ નથી. ગુજરાતમાં ભૂતકાળમાં પણ આંદોલનો થયાં છે અને ત્યારે પણ સરકાર અને પાર્ટી ઝૂક્યાં ન હતાં. ભાજપ પ્રેશર પોલિટિક્સથી કામ કરતો પક્ષ નથી. નૂપુર શર્મા કે ટી રાજા સિંઘથી માંડીને એવાં અમુક ઉદાહરણો આપવામાં આવે છે, પણ તેમના કેસ જુદા હતા, આ વાત જુદી છે. સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવારો બદલવામાં આવ્યા તે પાર્ટીના આંતરિક વિષયના લીધે બદલાયા, કોઇ સમાજે આંદોલન કર્યુ હોય ને ભાજપે ટીકીટ ખેંચી લીધી હોય તેવો કિસ્સો આજ સુધી બન્યો નથી.
બીજું, સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઇ આંદોલન ચગે એટલે તેનો અર્થ એ ક્યારેય હોતો નથી કે જમીન પર પણ ચળવળ એટલી જ મજબૂત છે. જોકે, આ કિસ્સામાં મહાસંમેલનમાં સારી એવી ભીડ ભેગી કરવામાં આવી હતી, પણ તેમ છતાં ચૂંટણીની ગણતરીમાં આંકડાઓનું મહત્વ છે. વધુમાં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે અન્ય જાતિગત સમુદાયો કાં તો ચૂપ રહ્યા, અથવા તો સમાજને સમર્થન આપ્યું. પણ હવે અવળું થવા માંડ્યું છે અને એ મત પ્રચલિત થઈ રહ્યો છે કે આ અતિશયોક્તિ થઈ અને જેની કોઇ જરૂર ન હતી. માફી માંગી લીધા બાદ આંદોલન પૂર્ણ કરી દેવું જોઈતું હતું.
ક્ષત્રિય આંદોલનને જનસમર્થનનો અભાવ
હવે આંદોલન એવા બિંદુ પર આવીને અટક્યું છે, જ્યાંથી પરત ખસી જવાનું શક્ય જ નથી કારણ કે આંદોલન કરનારાઓ અનેક વખત જાહેરમંચ પરથી પાર્ટીને લલકારી ચૂક્યા છે. તેમની પાસે એકમાત્ર રસ્તો છે આંદોલન આગળ ચલાવવાનો. પરંતુ હવે જનસમર્થન એટલું મળતું જણાય રહ્યું નથી. તેમની પાસે એટલા દિવસો પણ રહ્યા નથી કે એક ચોક્કસ પ્લાનિંગ સાથે ભાજપનો વિરોધ કરે. એક રાજકીય પાર્ટીને તમારે હરાવવું તો દૂરની વાત, નુકસાન પણ પહોંચાડવું હોય તો તેના માટે આયોજન જોઈએ. પાર્ટી છેલ્લા 2 વર્ષથી આયોજન કરી રહી છે, સંકલન સમિતિ પાસે જ્યારે માત્ર પંદર દિવસ રહ્યા છે. સંખ્યાબળની રીતે પણ પાછળ પડે તેમ છે અને જનસમર્થનની રીતે પણ.