કોયબા-ઢવાણા અને જીવાને જોડતા રોડનું જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યએ કર્યું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યએ વિકાસના કામોને વેગ પકડાવ્યો છે. જેમાં કોયબા એપ્રોચ રોડ તેમજ ઢવાણા જીવાને જોડતા રોડના વિકાસના કામોનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું છે. તો સાથે નવા ધનાળાથી પ્રતાપગઢના રોડનું ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું છે.
- Advertisement -
હળવદ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે કોયબા એપ્રોચ રોડ 78 લાખ અને ઢવાણા-જીવાને જોડતો રોડ 90 લાખના ખર્ચે નિર્માણાધિન પામતા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા અને ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય મેરાભાઇ વિઠ્ઠલાપરા, રવજીભાઇ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઇ ગણેશિયા, ભાજપ મહામંત્રી સંજયભાઇ પંચાસરા, અને સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતા. તો સાથે પ્રતાપગઢ ગામે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં નવા ધનાળા ટાવરથી પ્રતાપગઢ રોડ 125 લાખના ખર્ચે નિર્માણ પામશે જેનું ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું.