નીતા દવે
જીવનની સૌથી મોટી સંપત્તિ કઈ..? માનવજીવન માટે આ એક ખૂબ અગત્યનો પ્રશ્ર્ન કહી શકાય. કારણકે જન્મતાની ક્ષણથી જીવનનાં અંત સુધી આપણે જાણે સમય સાથે દોડમાં ઉતરતા હોઈએ એવું જીવન જીવતા હોઈએ છીએ.બાલ્યાવસ્થામાં હાય એજ્યુકેશન અને હાય ડીગ્રી મેળવવાની દોડ, એ પછી યુવાવસ્થામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પેકેજ વાળી નોકરી મેળવી ધનાઢ્ય બનવાની દોડ,પોતાને મનગમતું જીવન સાથી પસંદ કરી અને લગ્ન કરવાની દોડ,ત્યાર પછી સંતાનોના ઉછેર અને કારકિર્દી ઘડતર ની દોડ, એ પછી પરિવારને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની દોડ, અને અંતે..? રેસ માંથી બાદબાકી..વિશ્રાંતિ કાળ..! પરંતુ શું આ નિરાંત ને શાંતિથી માણી શકાય છે ખરી કે..?દરેક લક્ષ્યાંકોને સુપેરે પાર પાડી અને જીવનનાં ગ્રાફને પોતાના મન પ્રમાણે જીવનારને પોતાના જીવન થી કોઈ ફરિયાદ હોતી નથી..? દરેક સમયે જીતનાર વ્યક્તિ જ શું ખરાં અર્થમાં વિજેતા હોય છે ખરો..?
- Advertisement -
દરેક વિજેતાને પરિણામ સ્વરૂપે મળે છે તો એક મેડલ, ટ્રોફી કે શિલ્ડ..સમાજમાં માન સન્માન અને બહુ બધી પ્રસિદ્ધિ.! વિજય બનનાર દરેક વ્યક્તિની સફરનો સંઘર્ષ તો દરેક વ્યક્તિ જોઈ અને જાણી શકે છે.પરંતુ સફળતા પ્રાપ્ત કર્યા પાછળના સમાયોજનો એ માત્ર એક જ વ્યક્તિ જાણતી હોય છે અને તે એ પોતે હોય છે. કોઈપણ લક્ષ્યાંક હોય તેને સિદ્ધ કરવા માટે માત્ર સંઘર્ષ પૂરતો હોતો નથી. કારણકે જીવન ધારેલું કે માંગેલું કશું જ આપતું હોતું નથી. ક્યારેક જીવનમાં ઓચિંતી બનતી ઘટનાઓ વ્યક્તિના ઘણા બધા સ્વપ્નાઓ, પુરુષાર્થ, અને આયોજનોને ચૂર ચૂર કરી નાખતી હોય છે. છતાં પણ ફરી પાછું નવા સંજોગોને અનુકૂળ બનાવી સમય સાથે સમાયોજનો કરી અને ફરી વખત નવેસર થી શરૂઆત કરવામાં આવતી હોય છે.આ સમયે જે પાછળ છૂટ્યું છે તેનો ભારોભાર અફસોસ આજીવન રહેતો હોય છે અને જીવનના અંતિમ તબક્કે આ હાથ વગુ આવેલું સુખ છુટ્યાનો વસવસો પણ..! પરંતુ સમય નો એક નિયમ એવો પણ છે કે તે હંમેશા કંઈક લઈ અને કંઈક વળતર આપતો હોય છે. એ નક્કી આપણે કરવાનું હોય છે કે આપણે શું મેળવવા શું ગુમાવવાની તૈયારી છે અને જીવનમાં અગત્યતા શેની છે..?
વ્યક્તિ જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે સૌથી પહેલા રિટર્ન પોલિસી ચેક કરતા હોય છે.એ જાણવાનો પ્રયત્ન કરે છે કે વળતર ક્યારે અને કેટલા પ્રમાણમાં પાછું મળશે. પરંતુ આપણે આજીવન એક અમૂલ્ય સંપત્તિ રિટર્ન પોલિસી ચેક કર્યા વગર જ ઇન્ટરેસ્ટ કરીએ જાય છે અને એ ઇન્વેસ્ટમેન્ટ એટલેઆપણો સમય એક એવું ફેક્ટર છે કે ક્યારેય રિવર્સ ચાલતું નથી. જીવનમાં દરેક સમયની એક માંગ હોય છે અને વ્યક્તિ તે મુજબ ચાલવાનો પૂરતો પ્રયત્ન કરતો હોય છે.
જીવનના જુદા જુદા તબક્કામાં જુદી જુદી બાબત અગત્યતા રાખતી હોય છે. દરેક વર્તમાન જ્યારે અતીત બને ત્યારે એ સમય અપરિપક્વ બની જતો હોય છે. જે વાહલાઓની સાથે મળી અને ખૂબ હસ્યા હતા એ સ્મૃતિ તાજી થતા આંખમાં પાણી આવે, જ્યારે કોઈ ખૂબ અંગતનો અણગમો કે જાકારો વેઠીને જે સમયે ખૂબ રડ્યા હતા એ સમયને યાદ કરી અને હસતા મોંઢે આજે ઈશ્વરનો આભાર વ્યક્ત કરતાં હોઇએ એવું પણ બને..! સમય નાં રંગ સમયે જ સમજી શકાય.
માનવી યુગાંતરથી સમયને જીતવા માટે પ્રયાસો કરતો આવ્યો છે,કાળથી આગળ નીકળવાની હોળ લગાડતો આવ્યો છે. પરંતુ આજ સુધી સમય સાથેની આ રેસમાં માનવી જીતી શક્યો નથી. સમય એ લાંબી અમિટ અને અસીમ કેડી જેવો છે. મુસાફરો બદલે જાય છે પરંતુ રસ્તો ત્યાં જ સ્થિર રહેતો હોય છે. જીવનનું પણ કંઈક આવું જ હોય છે. બાલ્યાવસ્થાથી શરૂ કરી અને જીવનના દરેક સમયને જીવતા રસ્તામાં કંઈક મુસાફરો, સાથી અને કંઈક સંબંધીઓ જોડાતા જાય છે. કોઈકનો સાથ ક્ષણભરનો હોય છે. છતાં આજીવન યાદગીરી રૂપ બની જતો હોય છે જ્યારે કોઈ આજીવન સાથે ચાલે છે. છતાં સંવેદનહીનતાની પરિભાષા રૂપ સબંધ હોય છે. જીવન યાત્રામાં બધો ખેલએ માત્ર સમયનો હોય છે.સબંધ, સંવેદના, સંપત્તિ કે સ્વાસ્થ્ય બધું જ ત્યાં સુધી સાથ આપે છે. જ્યાં સુધી સમય સાથ આપે છે. આથી જ સમયથી કીમતી દુનિયામાં કોઈ વસ્તુ નથી.
- Advertisement -
જ્યાં સુધી વ્યક્તિનો સમય તરફેણમાં હશે. ત્યાં સુધી દુનિયાની દરેક તાકાત વણમાગ્યો સહારો બનવા રાજી હશે.પરંતુ જેવો સમય પોતાનો પક્ષ પલટો કરશે કે તરત જ સંબંધોના સાચા ચહેરાઓ સ્પષ્ટ થઈ જશે અને સંવેદનાની કુરુપતા સામે આવી જશે. સમય એક એવું અક્ષય પાત્ર છે જે ક્યારેય ખાલી થતું નથી અને સંપૂર્ણ ભરાતું પણ નથી. છતાં ચીરકાલ સુધી નિરંતર શાશ્વત છે.
સમય સાથે સમય ક્યારેય પરિવર્તિત થતો નથી. પરંતુ માનવીને સતત નવા અનુભવોના ચાકડે ચડાવી અને ઘડતો રહે છે. જીવનના નવા સમીકરણો સાથે લડતા શીખવતો રહે છે.સૌથી મોટો શિક્ષક એ સમય છે સૌથી મહાન ગુરુ પણ સમય છે.કયારેક જીવતરના વળાંક પર લેવાયેલા ખોટા નિર્ણયો એ શીખવેલી શીખ અને પરિણામો એ સમયે લીધેલી પોતાની ગુરુદક્ષિણા છે.જે ના છૂટકે દરેકે ચુકવવી જ રહી..! જીવનમાં કિંમતી તો ઘણું હોય છે.
પરંતુ કોઈ વસ્તુ હોય વ્યક્તિ કે લાગણી તેનું મૂલ્ય સમય સમજાવી શકે તેવું કોઈ ન સમજાવી શકે. હાથમાંથી હીરો સરકી અને જમીન પર પડતા કણ કણમાં વિખરાઈ જાય તેવી જ રીતે જીવન પણ ક્ષણ ક્ષણમાં વિખરાયેલું પડ્યું હોય છે. જ્યારે તેને સમેટીયે ત્યારે એ દરેક ક્ષણ માં જીવનના જુદા જુદા પ્રસંગો અને કંઈક પામ્યા ની ખુશી અને ગુમાવ્યાનો અફસોસ લઈને સ્મૃતિ પટ પર સામે આવતું હોય છે. એક ક્ષણ થી બીજી ક્ષણ વચ્ચેની સફર વચ્ચે જે એક પળ વીતે છે એ પળ માત્ર જીવન છે. કારણ કે પળ નો સાક્ષાત્કાર કરી શકે એ જ પરમેશ્વરને પામી શકે.