ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 18મી લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા સભ્યોના નામ સોંપવામાં આવ્યા છે. આ સાથે જ લોકસભા ચૂંટણી દરમિયાન લગાવવામાં આવેલ આચાર સંહિતા પણ ગુરુવારે પૂરું થઈ ગઈ છે. દેશના મુખ્ય ચૂંટણી વડા રાજીવ કુમારે ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિને નવા સાંસદોની યાદી સોપી હતી. મુખ્ય ચૂંટણી વડા રાજીવ કુમારે ગુરુવાર સાંજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.
- Advertisement -
રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 73ના સંદર્ભમાં જારી કરાયેલ સૂચનાની નકલ રાષ્ટ્રપતિને સોંપવામાં આવી હતી. તેમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી પછી લોકસભામાં ચૂંટાયેલા સભ્યોના નામ છે.
રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને માનવ ઈતિહાસની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર દેશ વતી તેમણે ચૂંટણી પંચ, તેના અધિકારીઓ અને કર્મચારીઓના સભ્યો, પ્રચાર અને મતદાનના સંચાલન અને દેખરેખ સાથે સંકળાયેલા અન્ય જાહેર અધિકારીઓ, પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્યના પ્રયાસોની પ્રશંસા કરી હતી.