ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્ર્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કર્યું છે. જેના અનુસંધાને આવતીકાલે સવારે 9:00 કલાકે, પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે વોર્ડ નં. 1, 9 અને 10નો સંયુક્ત આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે.
લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્ર્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્ર્નોનો નિકાલ કરશે. આ તકે લોકો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.