રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીનાથજી, ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, જે તેમના તમામ ભક્ત સમુદાયને પ્રેમ અને લીલાઓ સાથે આશીર્વાદ આપતા રહે છે અને શ્રીનાથજી મંદિર 350 વર્ષથી વધુ વર્ષોની પરંપરા ધરાવે છે.
ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને તેઓ પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છે. એટલા માટે જ મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન – તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્નની શરૂઆત શ્રીનાથજીની મહા આરતી સાથે કરી હતી. અને તેમના પત્ની અને પરોપકારી નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું. જે શ્રી વલ્લભાચાર્યજી (પુષ્ટિ માર્ગના સ્થાપક) દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.
- Advertisement -
શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે. ધીરુભાઈ તથા ત્યારબાદ મુકેશભાઈના શ્રીમાન તિલકાયત મહારાજ અને તેમના સુપુત્ર ચિ. વિશાલ બાવા સાહેબ સાથે વારસાગત સ્નેહ સંબંધ છે અને વિશાલ બાવાએ ભારત અને વિશ્વ (યુએઈ, બહેરીન, યુએસએ)માં પુષ્ટિમાર્ગના ઉપદેશોનો ફેલાવો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અંબાણી પરિવારની યુવા પેઢી પણ ધર્મ સાથે જોડાઈ રહી છે.