કિશોર મકવાણા
ડો. બાબાસાહેબ 1930માં સ્વરાજ્યની માગણી કરતા હતા. તેઓ માત્ર માગણી જ નહોતા કરતા, પરંતુ એ સૂચિત સ્વરાજ્ય લોકશાહી હોવું જોઈએ તેની જરૂરિયાતને પણ સ્પષ્ટ કરતા હતા
- Advertisement -
(લેખક: કિશોર મકવાણા રાષ્ટ્રીય અનુસૂચિત જાતી આયોગનાં અઘ્યક્ષ)બાબાસાહેબે અસ્પૃશ્યતા નિવારણ આંદોલન શરૂ કર્યું ત્યારથી તેમની ભૂમિકા રાષ્ટ્રીય સ્તરની હતી. અસ્પૃશ્યોની સમસ્યા માત્ર અસ્પૃશ્ય જાતિઓ સુધી મર્યાદિત ન રહેતાં તેનાં રાષ્ટ્રીય પરિમાણો છે તેવું તેમણે વારંવાર કહ્યું હતું. પ્રશ્ન શિક્ષણનો હોય, દેશની સુરક્ષાનો હોય કે પછી ધાર્મિક બાબત હોય -દરેક બાબતની સમીક્ષા કરીએ તો જણાય છે કે શરૂઆતથી જ બાબાસાહેબનો દૃષ્ટિકોણ રાષ્ટ્રીય રહ્યો હતો. ઘણી વાર આ બાબત ધ્યાનમાં આવતી નથી. એમના હ્રદયમાં નેશન ફર્સ્ટ હોવાના કારણે એમણે દરેક બાબતને રાષ્ટ્ર સાથે જોડી. ત્યાં સુધી કે 1927માં મુંબઇ વિધાનસભામાં મહિલાઓને પ્રસુતિ દરમિયાન રજા આપવા માટેના વિધેયક પર ચર્ચા ચાલતી હતી ત્યારે પણ એમણે પ્રવચન કરતી વખતે કહ્યું કે મહિલાઓને પ્રસુતિ દરમિયાન રજાઓ આપવી એ રાષ્ટ્રના હિતમાં છે અને આ બાબતે ચર્ચાને કોઇ અવકાશ જ નથી. ડો. બાબાસાહેબે 1929માં ભાષાવાર પ્રાંત રચનાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પાછળ દેખીતી રીતે તેમની રાષ્ટ્રીય ભૂમિકા હતી. 1929માં દેશની પ્રાથમિક આવશ્યક્તા શું હતી? એ મુખ્ય પ્રશ્ન હતો. આવશ્યક્ત પ્રખર રાષ્ટ્રીય ભાવનાની હતી. બાબાસાહેબ લખે છે, ‘આ દેશમાં કોઈ એક વાતની અછત હોય તો તે રાષ્ટ્રીય ભાવનાની છે. રાષ્ટ્રીય ભાવના આ દેશમાં જાગી નથી તેનાં અનેક કારણ છે. તેમાંનું એક મુખ્ય કારણ ભાષાઓની વિવિધતા છે. આ કારણનો નાશ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રીય એકતાની ભાવના પેદા થવાનું શક્ય નથી. ભાષાવાર પ્રાંતરચના કરવી એ એકતાની ભાવના ઉપર મૂળમાં પ્રહાર કરવા સમાન છે, કેમકે જેટલી માત્રામાં પ્રાદેશિક ભાવનાનું પોષણ થશે તેટલી માત્રામાં રાષ્ટ્રીય ભાવનાના અંકૂર સૂકાતા જશે. એવી પ્રાદેશિક રચનાથી રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન નથી થઈ એ હકીકત છે, પરંતુ ભાષાવાર પ્રાંત રચના કરવાથી તો રાષ્ટ્રીય ભાવના કદી પેદા નહીં થાય. ભાષાવાર પ્રાંત રચના કરવાને બદલે સમગ્ર દેશમાં એક ભાષા હોય એ માટે પ્રયાસ કરવો વધારે રાષ્ટ્રહિતનું કામ છે એવું મને લાગે છે.’ દુનિયા વિજ્ઞાન-ટેક્નોલોજી અને ઉદ્યોગ તરફ દોડવા લાગી ત્યારે આપણે અંદરોઅંદર લડતા રહ્યા. ’બહિષ્કૃત ભારત’ સામયિકમાં ડો. બાબાસાહેબ સમ્પાદકીયમાં લખે છે: ‘વિદેશી રાજા અહીં રાજ કરે તો લોકોને સંતોષ થાય છે, પંરતુ સ્વદેશી રાજા ગાદી પર આવે તો લોકો એને સ્વીકારતા નથી કારણ સ્વદેશી રાજા બનશે તો એની જ્ઞાતિ કઈ હશે ? એક જ્ઞાતિનો રાજા બનતા જ એ બીજી જ્ઞાતિને પરાયો અને અવિશ્વસનીય લાગશે. આવી ભાવના હોવાના કારણે સારો નેતા પણ કોઈ વિશેષ જ જ્ઞાતિનો હોવાના કારણે અન્ય જ્ઞાતિઓને તે સ્વીકાર્ય હોતો નથી. દૃરેક જ્ઞાતિ એવું જ માને છે કે પોતાની જ જ્ઞાતિનો નેતા હોવો જોઈએ, પરિણામે બીજી જ્ઞાતિના વિદ્વાન નેતાનું અનુકરણ કરવાના બદૃલે પોતાની જ્ઞાતિના બેવકૂફ -મુરખ નેતાની પાછળ જવાનું શ્રેષ્ઠ માને છે. જ્ઞાતિભેદના લીધે જ્ઞાતિગત વેરઝેર વધે છે. પરિણામે જ્ઞાતિગત દ્વેષ વંશ પરંપરાથી ચાલી આવે છે.’ ડો. આંબેડકર દેશને શ્રેષ્ઠ જોવા માંગતા હતા, એમણે દેશના વિકાસની જે રૂપરેખા રજૂ કરી હતી એ જાણવી પણ ખૂબ જરૂરી છે. એમણે ભારત એ કૃષિપ્રધાન દેશ છે એ માઇન્ડસેટમાંથી બહાર આવી ઝડપથી દેશના ઉદ્યોગીકિકરણની હિમાયત કરી. ભારતે દુનિયા સાથે દોડવું હશે તો ઉદ્યોગોને પ્રાધાન્ય આપવું પડશે એવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. ભારતની ધરતી અત્યંત પ્રાચીન છે.
પાણી રાષ્ટ્રીય સમસ્યા છે અને તેના ઉકેલ માટે વ્યાપક રાષ્ટ્રીય દૃષ્ટિકોણ જરૂરી છે. સામાન્ય માણસો બાબાસાહેબને એક દલિત નેતા, અનામતની જોગવાઈ લાવનાર એક રાજકારણી તેમજ ભારતીય બંધારણના નિર્માતા પૈકી એક તરીકે જ ઓળખે છે. પાણીની સમસ્યા અંગે તેમણે કેવો રાષ્ટ્રીય ઉપાય સૂચવ્યો હતો તે વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ડો. આંબેડકર 1942થી 1946 દરમિયાન વાઈસરોયના મંત્રીમંડળમાં હતા. તેમની પાસે શ્રમ, સિંચાઈ તેમજ ઊર્જા વિભાગ હતો. એ ગાળામાં આ ત્રણે ક્ષેત્રમાં તેમણે જે કામ કર્યું તેના આધારે તેમનો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ જોવા મળે છે. નદી-ખીણ યોજનાની સ્વીકૃતિ તેમના સમયમાં જ થઈ હતી અને બહુવિધલક્ષી એ યોજનાની શરૂઆત પણ ત્યારે જ થઈ હતી. દામોદર નદી-ખીણ, હીરાકુંડ નદી-ખીણ તથા સોન નદી યોજના તેમના સમયમાં જ શરૂ થઈ હતી. દામોદર અને મહાનદીમાં ચોમાસામાં ભારે પૂર આવતું જેને કારણે ખેતી, સંપત્તિ, પશુધન તેમજ જનજીવનને ભારે નુકસાન થતું. દામોદર નદી તો દુ:ખ આપનારી નદી તરીકે ઓળખાતી. પૂર સમયે આ નદીઓમાં આવતા પાણીનો કેવી રીતે સંગ્રહ કરવો તે અંગે નિષ્ણાતો વિચારણા કરતા હતા. 15 નવેમ્બર 1943 તેમજ 8 નવેમ્બર 1945 ના રોજ વિવિધ પાંચ અધિવેશનમાં બાબાસાહેબે ભાષણ આપ્યા હતા. ઓડિશાની નદીઓના વિકાસ બાબતે વિવિધ સમિતિઓની ભલામણ અંગે બાબાસાહેબનો મત હતો કે, ‘મને એ કહેતા દુખ થાય છે કે વિવિધ સમિતિના સન્માનનીય સભ્યો આ સમસ્યાના ઉકેલ માટે યોગ્ય દૃષ્ટિકોણ રજૂ કરી શકતા નથી. તેમના મતે વધારે માત્રામાં આવતું પાણી આપણા માટે મુશ્કેલી કરે છે. જ્યારે ભારે માત્રામાં પાણી આવે ત્યારે એવા પ્રયાસ કરવા જોઈએ કે નદીનો પ્રવાહ સમુદ્ર સુધી યોગ્ય રીતે પહોંચે.’ડો. આંબેડકરના મતે ‘માણસો વધારાના પાણીને બદલે પાણીના અભાવની સમસ્યાથી વધારે ઘેલાયેલા છે. જળ એ સંપત્તિ છે એ હકીકત છે અને તેને બદલી ન શકાય. જળ સાર્વજનિક સંપત્તિ છે અને તેનું વિતરણ યોગ્ય રીતે થવું જોઈએ. આ રીતે ડો. આંબેડકરે ભારે પૂર અને વધારાના પાણીની સમસ્યાને અલગ દૃષ્ટિથી જોઈ એટલું જ નહીં પરંતુ પાણીની સમસ્યાના રચનાત્મક અને અગત્યના પાસાં ઉપર વધારે ધ્યાન આપ્યું.’
- Advertisement -
ડો. બાબાસાહેબે વીજ ઉત્પાદન અંગે ઘણી ગંભીરતાથી વિચાર કર્યો હતો. ભારતે જો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઉદ્યોગોને કોઈ અવરોધ વિના વીજળી મળે તેવી વ્યવસ્થા કરવી પડે. તેમના મતે ‘ભારતની નદીઓ ઉપર બંધ બાંધીને મોટી મોટી વીજ યોજનાઓ શરૂ કરી શકાય તેમ છે. આ બાબતે તેમના વિચાર સ્પષ્ટ હતા. 1943માં વીજ નીતિ નિર્ધારક સમિતિ સમક્ષ તેમણે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું. એ વક્તવ્યમાં તેમણે કહ્યું, વક્તવ્ય પૂરું કરતા પહેલાં હું ભારતમાં વીજળીના વિકાસ માટે અગત્યના ઉદ્દેશોની જરૂરિયાત તેમજ મહત્ત્વ રજૂ કરનાર કેટલાક નિરીક્ષણ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. જે વ્યક્તિ પ્રમુખસ્થાને હોય તેમને આ વિષયના મહત્ત્વ અને ઉદ્દેશની વર્તમાન સ્થિતિ વિશે ખબર હોવી જોઈએ. જો આ અંગે તમે સંમત હોવ તો હું મારી જાતને જ પ્રશ્ન કરીશ. ભારતમાં સસ્તી અને પૂરતી માત્રામાં વીજળીને આપણે શું જરૂર છે?આ પ્રશ્નનો જવાબ એ છે કે, સસ્તી અને પૂરતી માત્રામાં વીજળી વિના ભારત ઔદ્યોગિકીકરણના માર્ગે ઝડપથી આગળ નહીં વધી શકે. હવે બીજો પ્રશ્ન એ થાય કે શું ઔદ્યોગિકીકરણની જરૂર છે? અને તમને તેના મહત્ત્વ વિશે તરત જ સ્પષ્ટતા મળી જશે. પ્રશ્ન છે અને તેનો જવાબ પણ છે. ગરીબીમાંથી છૂટકારો મેળવવાના સાધન રૂપે આપણે ભારતમાં ઔદ્યોગિકીકરણ કરવું પડે.’
બાબાસાહેબે ભારતમાં નદીઓ અંગે જે રીતે વિચાર કર્યો હતો એ જ રીતે દેશની ખનીજ સંપત્તિ અંગે પણ વિચાર વ્યક્ત કર્યા હતા. ભારતની ખનીજ સંપત્તિ અંગે તેમણે કહ્યું, ‘ભારતની ખનીજ નીતિ બાબતે અત્યંત અજ્ઞાન અને ખોટી માન્યતાઓ છે.’ તેમના મતે, ‘કોઈપણ સરકારની ખનીજ નીતિ મૂળભૂત રીતે તેની ઔદ્યોગિક નીતિ ઉપર આધારિત હોય છે.’ તેઓ કહે છે, ‘આપણે ત્યાં ભૂગર્ભ સર્વેક્ષણ ખાસ નથી થયા. એ માટે ભારતીય ભૂગર્ભ સર્વેક્ષણની પુન:રચના કરવી જરૂરી છે.’
ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને એમના સમર્થકો માત્ર દલિત નેતા અને બંધારણ નિર્માતા તરીકે જ ઓળખે છે. અન્ય લોકો પણ એમને દલિત નેતા અને બંધારણ નિર્માતા તરીકે જ ઓળખે છે પરિણામે આ મહાન અને વૈશ્વિક વ્યકિતની ઓળખ એક ચોક્કસ કુંડાળામાં કેદ થઇ ગઈ. વાસ્તવમાં ડો. બાબાસાહેબનું વ્યક્તિત્વ બંને ઓળખથી ઘણું વિરાટ અને ઉત્તુંગ હતું. યુગ પ્રવર્તક મહાપુરૂષના જીવનને સમજવું અને સર્વાંગ રીતે તેનું આકલન કરવું બહું મુશ્કેલ હોય છે. કારણ કે યુગપ્રવર્તક મહાપુરૂષ પોતાના અલ્પજીવનકાળમાં સમાજ અને રાષ્ટ્રજીવનના અનેક પાસાને સ્પર્શે છે. ઘણીવાર આ મહાપુરૂષના કોઇ એક જ પાસા પર વધુ ભાર મૂકી એજ એમનું જીવન કાર્ય હતું એવી વાતો વહેતી કરવામાં આવે છે. દરેક જણ પોતાની ફૂટપટ્ટીથી મહાપુરૂષને માપવાનો પ્રયત્ન કરે છે, વાસ્તવમાં એ મહાપુરૂષનું અધૂરું વિષ્લેષણ હોય છે. સમયથી આગળ વિચારનાર મહાપુરૂષ પોતાના જીવનકાળમાં ક્યારેય બહુ લોકપ્રિય બની શકતા નથી. એનું કારણ એ છે કે મહાપુરૂષ જે વિઝન રજૂ કરે છે એ સમય કરતા ઘણું આગળ હોય છે. પરંપરાઓ કોઇપણ પ્રકારે સમૂળગું પરિવર્તન થાય એ સામાન્ય માણસને પસંદ નથી હોતું. ડો. આંબેડકર દ્વારા શરૂ થયેલા સામાજિક સત્યાગ્રહો હોય, ધાર્મિક અધિકારો માટેના સત્યાગ્રહો હોય અથવા રાજનીતિના પથ પરની એમની ભૂમિકા જોઇએ તો એમાં આપણે એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ જોઇ શકીએ છીએ. 1930ની 20 નવેમ્બરે યોજાયેલી પ્રથમ ગોળમેજી પરિષદમાં ડો. બાબાસાહેબ આંબેડકર વક્તવ્ય આપ્યું હતું. એ પરિષદમાં બાબાસાહેબે કહ્યું હતું, બ્રિટિશરોના આગમન પહેલાં અસ્પૃશ્યતાને કારણે અમે ઘણી ખરાબ સ્થિતિમાં હતા. એ સ્થિતિ સુધારવા માટે અંગ્રેજોએ શું કર્યું?.આ જ વક્તવ્યમાં બાબાસાહેબ આગળ કહે છે, અમારે પ્રજાની, પ્રજા દ્વારા અને પ્રજા માટેની સરકાર જોઈએ. જેથી અમે અમારા દુ:ખ જાતે જ દૂર કરી શકીએ. જ્યાં સુધી બ્રિટિશ સરકાર આ દેશમાં છે ત્યાં સુધી થોડોઘણો પણ રાજકીય અધિકાર અમને મળે તેવી શક્યતા નથી. માત્ર ‘સ્વરાજ્ય’ દ્વારા જ એ શક્ય છે.ડો. બાબાસાહેબના આ નિવેદન ઉપર શું કોઈ ટિપ્પણી કરવાની જરૂર છે? તેઓ કહે છે કે, અંગ્રેજ સરકારને કારણે જ અમારી ગુલામી યથાવત રહી છે, સ્વરાજ્ય મળતાં એ ગુલામી સમાપ્ત થશે.
એ વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે ડો. બાબાસાહેબ 1930માં સ્વરાજ્યની માગણી કરતા હતા. તેઓ માત્ર માગણી જ નહોતા કરતા, પરંતુ એ સૂચિત સ્વરાજ્ય લોકશાહી હોવું જોઈએ તેની જરૂરિયાતને પણ સ્પષ્ટ કરતા હતા. આથી જ તેઓ પ્રજાનું, પ્રજા દ્વારા અને પ્રજા માટે સંચાલિત રાજ્યની માગણી કરતા આપણને દેખાય છે. ડો. આંબેડકરના અંત:કરણમાં ઉછળતા રાષ્ટ્રપ્રેમની આ અભિવ્યક્તિ છે. એ દેશને સ્વતંત્ર તો જોવા ઇચ્છે છે સાથે સાથે લોકશાહ આધારિત સ્વરાજ્ય પણ ઇચ્છે છે. સ્વતંત્રતાની ભૂમિકા 1935થી તૈયાર થઈ રહી હતી. દેશની સ્વતંત્રતામાં કોઈ પ્રકારનું વિઘ્ન ઊભું ન થાય એ બાબતે ડો. બાબાસાહેબ સતર્ક હતા. 1947ની 14 એપ્રિલે તેમના 55મા જન્મદિવસ નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. એ સન્માનનો જવાબ આપતાં ડો. બાબાસાહેબે કહ્યું હતું, રાજકીય સ્વતંત્રતામાં સ્વ-કર્તવ્યની બેવડી જવાબદારી આપણે નિભાવવાની છે. એક, સ્વ-જનો માટે અને બીજી સ્વ-દેશ પ્રત્યે. હિન્દુસ્તાન સ્વતંત્ર થાય એવું બધા ઈચ્છે છે. ત્રિ-મંત્રી યોજનામાં આપણી ઉપેક્ષા કરવામાં આવી છે, તેમ છતાં દેશની સ્વતંત્રતા આડે કોઈ અવરોધ ઊભો નથી કરવાનો એ બાબતને હું ધ્યાનમાં રાખું છું. બાબાસાહેબને સૌથી વધારે ગમતો વિષય શિક્ષણ હતો. પ્રાથમિક શિક્ષણ અંગે મુંબઈની પ્રાંતીય વિધાનસભામાં ચર્ચા થઈ હતી. પ્રાથમિક શિક્ષણ અંગે બાબાસાહેબ કહેતા, પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધે તે રાષ્ટ્રીય દૃષ્ટિએ અત્યંત જરૂરી છે. હાલના સમયમાં જે દેશનો બહુજન સમાજ અશિક્ષિત હોય તે દેશ ક્યાંય ટકી નહીં શકે એ નિશ્ચિત છે. પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક બને તે રાષ્ટ્રીય પ્રગતિની ઈમારતના આધાર સમાન છે. આ મુદ્દાને લોકોની ઈચ્છા ઉપર છોડી દેવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ તમામ સુધી પહોંચાડવામાં ઘણી સદી વીતી જશે, તેથી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાનો કાયદો બનાવવો પડે છે. આપણે જોઈ શકીએ છીએ કે તમામ વિકસિત દેશોએ પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવીને જ નિરક્ષરતા દૂર કરી છે. જે વર્ગો પહેલેથી શિક્ષણનો લાભ લે છે તેમના ઉપર શિક્ષણ માટે કડકાઈ દાખવવાની જરૂર નથી. જે લોકોને શિક્ષણનું મહત્ત્વ ખબર નથી અને જે લોકો શિક્ષણની બાબતમાં ઉદાસિનતા દાખવે છે તેમના માટે શિક્ષણ ફરજિયાત કરવું જરૂરી છે. મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન (15 ડિસેમ્બર 1932, જનતા સામયિક : 20 ડિસેમ્બર 1952) માં ડો. આંબેડકરે કહ્યું હતું: ’આજના વિદ્યાર્થી જે વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કરે છે, તે એના વહીવટ તરફ બિલકુલ ધ્યાન આપતા નથી. વિદ્યાર્થીઓએ શું ભણવું જોઈએ ? એ વિશ્વવિદ્યાલય નક્કી કરે છે. છતાં પણ આપણે જે ભણીએ છીએ તે આપણા બૌદ્ધિક વિકાસ માટે પોષક છે કે નહીં ? એ પણ દરેક વિદ્યાર્થી એ જોવું જોઈએ. એના ભાવી જીવનનો પાયો વિશ્વવિદ્યાલયમાં જ નાખવામાં આવે છે. તે રાષ્ટ્રનો આદર્શ નાગરિક બનશે કે એનું જીવન નિષ્ફળ જશે એ બધું શિક્ષણ પદ્ધતિ જ નક્કી કરે છે. આથી વિશ્વવિદ્યાલયની દરેક પ્રવૃત્તિ પર વિદ્યાર્થીઓએ નજર રાખવી જોઈએ, પરંતુ આજનો વિદ્યાર્થી આ દ્રષ્ટિએ લાપરવાહ છે.
ડો. બાબાસાહેબે વીજ ઉત્પાદન અંગે ઘણી ગંભીરતાથી વિચાર કર્યો હતો
ભારતે જો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઉદ્યોગોને કોઈ અવરોધ વિના વીજળી મળે તેવી વ્યવસ્થા કરવી પડે
1948માં પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું અને ત્રીજા ભાગના કાશ્મીર ઉપર કબજો કરી લીધો. પાકિસ્તાન તેને આઝાદ કાશ્મીર કહે છે. કાશ્મીર બચાવવા માટે ત્યાં ભારતીય લશ્કર મોકલવામાં આવ્યું. ડો. બાબાસાહેબે કાશ્મીરમાં મહાર બટાલિયન મોકલવાનો આગ્રહ કર્યો હતો. મેજર જનરલ કુલવંતસિંહના નેતૃત્વ હેઠળ મહાર બટાલિયને કાશ્મીરમાં જે પરાક્રમ બતાવ્યું હતું એ અદ્વિતીય છે. 26-10-52ના રોજ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં આ પરાક્રમગાથાનો લેખ છપાયો હતો, એમાં લખ્યું હતું: ‘તા – ડિસેમ્બર 1947ના યુદ્ધમાં મહાર રેજિમેન્ટની બટાલિયને જે શૌર્ય અને કર્તવ્યનિષ્ઠાનું પ્રદર્શન કર્યું હતું તેનાથી તેમને ચિરંતન સન્માન પ્રાપ્ત થયું છે. ઝાંગરની લડાઈનો ઈતિહાસ અને તેમાં મહાર બટાલિયનનું યોગદાન ભારતીય લશ્કરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.’
1947ની 24 ડિસેમ્બરે 6000 પાકિસ્તાની સૈનિકોએ ઝાંગર પાસે આપણી ચોકી ઉપર હુમલો કર્યો. આ હુમલો સુનિયોજિત હતો. તેમાં તોપો તેમજ અન્ય ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું લાગતું હતું કે એ હુમલો નિષ્ફળ બનાવવાનું અત્યંત મુશ્કેલ બનશે, પરંતુ મહાર સેનાએ ચોકી છોડી નહીં અને અસાધારણ શૌર્ય દાખવ્યું. મહાર વીર જવાનોએ સેંકડો હુમલાખોરોને ખતમ કરી દીધા. છેલ્લે તેમનો સરંજામ પૂરો થઈ ગયો ત્યારે તેમણે હાથોહાથ અને બંદૂકના બાયોનેટથી યુદ્ધ કર્યું. તેમના આ પરાક્રમ માટે તેમને એક મહાવીર ચક્ર અને પાંચ વીર ચક્ર મળ્યા હતા. જનરલ થિમૈયાએ એમના પરાક્રમ માટે કહ્યું, ‘તમારી બટાલિયનનું નામ ચીરકાળ સુધી આ પહાડીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુંજતું રહેશે.’ ડો. બાબાસાહેબને મહાર જવાનો ઉપર પૂરો વિશ્વાસ હતો અને એ વિશ્વાસને એ જવાનોએ સાબિત કરી બતાવ્યો હતો.
15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ સ્વતંત્ર થયો એ દિવસથી જ પાકિસ્તાનની નજર કાશ્મીર પર છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન એ સ્વિકારવા તૈયાર નથી. ડો. બાબાસાહેબ શરૂઆતથી જ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370 મી કલમના વિરોધમાં હતા. પં. નહેરૂના દુરાગ્રહના કારણે એ કલમ બંધારણમાં ઉમેરવી પડી. દેશની સુરક્ષાના સંદર્ભમાં ચાર મુદ્દા અગત્યના હોય છે- (1) દેશની વિદેશ નીતિ, (2) દેશની આંતરિક આર્થિક વ્યવસ્થા, (3) સામાજિક એકતા, અને (4) લશ્કર. તેમાંથી લશ્કર બાબતે દેશમાં હંમેશાં ઘણી ચર્ચા થાય છે. તે અંગે કશું લખવાની જરૂર નથી. વિદેશ નીતિમાં ભૂલ થાય તો દેશને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે એ સમજવા માટે નહેરુના સમયનું ભારતનું જે ચિત્ર છે એવું બીજે ક્યાંય જોવા નહીં મળે. વિદેશ નીતિનો મૂળ આધાર દેશહિત તેમજ વ્યવહારિક્તા હોવો જોઈએ. તેમાં આદર્શવાદને કોઈ સ્થાન નથી હોતું. આદર્શવાદની માત્ર વાતો કરવાની હોય છે, દુનિયામાં ફરીને પ્રવચનો કરવાના હોય છે, પરંતુ આદર્શવાદ માટે દેશહિતનું બલિદાન ન અપાય. નહેરુની વિદેશ નીતિ આનાથી વિપરિત હતી. બાબાસાહેબ નહેરુની વિદેશ નીતિના સખત ટીકાકાર હતા. તેઓ કહેતા, ‘ભારતને સ્વતંત્રતા મળી ત્યારે દુનિયાના તમામ દેશો સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધ હતા અને એ દેશો ભારતના શુભચિંતક હતા. આજની સ્થિતિ તદન વિરોધી છે. આજે ભારતનો સાચો મિત્ર કોઈ નથી. બધા દેશ ભારતના દુશ્મન નથી, છતાં ભારતથી નારાજ છે. તેઓ ભારતનું હિત નથી જોતા. કોંગ્રેસ સરકારની ગોળગોળ વિદેશ નીતિને કારણે આવું થયું છે. ભારતની કાશ્મીર નીતિ, સામ્યવાદી ચીનને રાષ્ટ્રસંઘમાં પ્રવેશ અપાવવાની ઉતાવળ અને કોરિયાના યુદ્ધ પ્રત્યે બાલિશ નીતિને કારણે અન્ય દેશોએ ભારત તરફ પીઠ ફેરવી લીધી છે.’
બાબાસાહેબનો આગ્રહ હતો કે મતદારોના આ લોકતંત્રથી રાષ્ટ્ર શક્તિશાળી નહીં થાય
રાષ્ટ્રની શક્તિ એના સામાજિક લોકતંત્રમાં હોય છે. સામાજિક લોકતંત્રનો અર્થ છે, વ્યક્તિ પર કોઈપણ પ્રકારના કૃત્રિમ બંધન ન હોવા જોઈએ
ડો. બાબાસાહેબ પં. નહેરુને કહ્યા કરતા હતા કે, દેશની વિદેશ નીતિ નક્કી કરતી વખતે મૂડીવાદ અને સંસદીય લોકશાહી વચ્ચે ભેદ પાડવો જોઈએ. મૂડીવાદનો વિરોધ સમજી શકાય, પરંતુ તેનો અર્થ એ નથી કે મૂડીવાદનો વિરોધ કરતાં કરતાં તમે આપખુદશાહીના ટેકેદાર બની જાવ. બાબાસાહેબનો સ્પષ્ટ સંકેત ચીન તરફ હતો. ચીનમાં સામ્યવાદી પક્ષની આપખુદશાહી હતી (આજે પણ છે). ચીનને રાષ્ટ્રસંઘનું કાયમી સભ્યપદ અપવવાની માથકુટમાં પડવા કરતાં ભારતે પોતે રાષ્ટ્રસંઘ (એટલે કે સુરક્ષા પરિષદ)ના કાયમી સભ્ય બનવાના પ્રયાસ કરવા જોઈએ. બાબાસાહેબે 1951માં આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ભારત આજે પણ સુરક્ષા પરિષદનું સભ્ય નથી. ભારતની વિદેશ નીતિ અંગે બાબાસાહેબે કહ્યું હતું, દુનિયાને બચાવવા માટે અપનાવવામાં આવી રહેલી આ નીતિ ભારતના પગમાં જ કુહાડો મારશે. આ આત્મઘાતી નીતિ વહેલી તકે છોડી દેવી જોઈએ. પં. નહેરુએ કહ્યું કે માઓએ પંચશીલનો સ્વીકાર કર્યો છે. (બુદ્ધ પંચશીલ એટલે: 1. હત્યા ન કરવી 2. ચોરી ન કરવી 3. વ્યભિચાર ન કરવો 4. જુઠ્ઠું ન બોલવું 5. દારૂ ન પીવો) પરંતુ ચીન પંચશીલનું પાલન નહીં કરે, ચીન આપખુદ છે અને તેનાથી ભારતને જોખમ છે – એવું બાબાસાહેબ વારંવાર કહેતા. તેઓ કહેતા, ‘માઓ દ્વારા પંચશીલનો સ્વીકાર કરવાની બાબતને નહેરુએ ગંભીરતાથી લીધી એ આશ્ચર્યજનક છે. પંચશીલ બૌદ્ધ ધર્મનું અગત્યનું અંગ છે. જો માઓનો પંચશીલ પર વિશ્વાસ હોય તો પોતાના દેશના બૌદ્ધ સમુદાય સાથે અલગ વર્તન કરશે? રાજકારણમાં પંચશીલનું કોઈ કામ નથી અને સામ્યવાદી રાજકારણમાં તો જરાપણ નહીં. તમામ સામ્યવાદી દેશ માત્ર બે જ બાબતોમાં માને છે – એક, નૈતિક્તા અસ્થિર હોય છે. દુનિયામાં નીતિમૂલ્ય જેવી કોઈ બાબત હોતી નથી. આજના નીતિ-મૂલ્ય આવતીકાલના નીતિ-મૂલ્ય નથી હોતા.’ ડો. બાબાસાહેબના કહેવાનો અર્થ એ કે ચીનના કોઈપણ નિવેદન ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. ચીન આજે એક વાત કહે તેનાથી વિરુદ્ધ આવતીકાલે બીજી વાત કહેશે. ચીન સંદર્ભે તેમણે 1951-52માં જે કંઈ કહ્યું હતું તેનો વાસ્તવિક અનુભવ આજે આપણને થઈ રહ્યો છે. ચીન ઉપર જરાપણ વિશ્વાસ રાખી ન શકાય એવું બાબાસાહેબ ભારપૂર્વક કહેતા રહ્યા હતા. છેલ્લે 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે બાબાસાહેબની વાત સાચી પડી હતી.
આ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવો હશે તો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધત્વના વ્યવહારનો અનુભવ થવો જોઈએ. સામાજિક જીવનનું નિર્માણ ન્યાયના સિદ્ધાંત આધારે થવું જોઈએ એના માટે સમાજનું સુચારું સંચાલન કરે એ પ્રકારનું બંધારણ હોવું જોઈએ. આધુનિક યુગમાં બંધારણ જ દેશનો ધર્મગ્રંથ છે. ભારતનું બંધારણ બનાવવા માટે ડો. બાબાસાહેબે અથાક પરિશ્રમ કર્યો એ સૌ કોઈ જાણે છે.આ રાષ્ટ્ર લોકતંત્રના તત્વો પર ચાલવું જોઈએ. આ લોકતંત્ર માત્ર રાજકીય ન હોવું જોઈએ. રાજકીય લોકતંત્રને મતદારોનું લોકતંત્ર કહેવામાં આવે છે. બાબાસાહેબનો આગ્રહ હતો કે મતદારોના આ લોકતંત્રથી રાષ્ટ્ર શક્તિશાળી નહીં થાય. રાષ્ટ્રની શક્તિ એના સામાજિક લોકતંત્રમાં હોય છે. સામાજિક લોકતંત્રનો અર્થ છે, વ્યક્તિ પર કોઈપણ પ્રકારના કૃત્રિમ બંધન ન હોવા જોઈએ. એક માણસ બીજા માણસ સાથે સરળતાથી હળી-મળી શકે, એક વર્ગમાંથી બીજા વર્ગમાં તે સહજ-સરળતાથી જઈ શકે. એ માટે તમામ પ્રકારના જાતિગત ભેદભાવો ખતમ થવા જોઈએ. ડો. બાબાસાહેબ ત્રીજા પ્રકારના લોકતંત્રનો આગ્રહ કરે છે અને એ છે આર્થિક લોકતંત્રનો. સંપત્તિનો પ્રભાવ અને સંપત્તિનો અભાવ બન્ને ઘાતક છે. ધનના પ્રભાવથી એકાધિકાર પેદા થાય છે. એમાંથી સંપત્તિનું કેન્દ્રીયકરણ થાય છે. સંપત્તિનું કેન્દ્રીયકરણ શોષણના લીધે થાય છે.સંપત્તિનો અભાવ માણસની માનવતાને ખતમ કરી નાંખે છે, એને લાચાર-મજબુર બનાવી દે છે. આ બન્ને પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે સંપત્તિનું સમાન વિતરણ થવું જરૂરી છે અને આ કામ રાજસત્તાએ કરવું જોઈએ. સંપત્તિનો પ્રભાવ અને સંપત્તિનો અભાવ પેદા ન થાય એ પ્રકારની નીતિઓ રાજ્યએ બનાવવી જોઈએમ રાજ્ય બંધારણના માર્ગદર્શક તત્ત્વોમાં એને આપણે કેવી રીતે કરી શકીએ એ જણાવ્યું છે. રાષ્ટ્રનિર્માણ માટે દેશના તમામ લોકોની રાષ્ટ્રકાર્યમાં ભાગીદારી હોવી જોઈએ. રાષ્ટ્રકાર્યમાં ભાગીદારી ના હોય તો રાષ્ટ્ર પ્રત્યે આત્મીયતા નિર્માણ થતી નથી. કોઈ એક ચોક્કસ વર્ગ જ રાજ્યકર્તા હશે તો એનું રાજ કાયમ માટે ટકી રહે કે જળવાઈ રહે એમાં મને શું ફર્ક પડે અથવા માટે શું લેવા દેવા – એવો ભાવ જન્મે છે. એક રાષ્ટ્રીયત્વ નિર્માણ થવામાં આ સ્થિતિ સૌથી મોટી અડચણરૂપ છે. રાષ્ટ્રની ગુલામી માટે પણ એ જ જવાબદાર છે એવું ડો. બાબાસાહેબ માનતા હતા. 12 ફેબ્રુઆરી, 1938ના રોજ નાસિક જિલ્લાના સટાના ગામમાં આયોજિત અસ્પૃશ્ય સંમેલનમાં એમણે કહ્યું છે: ’ઍલેકઝાન્ડર અને મોહમ્મદ તુઘલક જેવા લોકોએ ભારત પર કબજો કરી લીધો. પોતાના કાંડામાં તાકાત ધરાવનાર દરેક વ્યક્તિને હથિયાર ઉઠાવવાની સ્વતંત્રતા હોત તો આ ગુલામીની આપત્તિથી બચી શકાયું હોત.’ બાબાસાહેબે જીવનભર એક રાષ્ટ્રીય ભાવ અને રાષ્ટ્રકાર્યમાં તમામની ભાગીદારી હોવી જોઈએ એ માટે સંઘર્ષ કર્યો. એમણે કેવળ ભારતનો જ વિચાર કર્યો.
‘નેશન ફર્સ્ટ’ એ એમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં રહ્યું હતું.1920માં એમણે રાષ્ટ્રના વિકાસની ચિંતા કરતા ’મૂકનાયક સામયિક’ (અંક 15, 28 ઑગસ્ટ 1920) માં લખ્યું હતું: ’આપણા વિશાળ રાષ્ટ્રને જુઓ, તેની શું સ્થિતિ છે અને નાનકડા જાપાનની સ્થિતિ શું હતી અને આજે એ જ જાપાને પ્રગતિ કરી દૃુનિયાના મુખ્ય રાષ્ટ્રોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હિંદૃુસ્તાનમાં આજે જે કૃત્રિમ જાતિ-ભેદ છે તે ત્યાં પણ અસ્તિત્વમાં હતો પરંતુ સામુરાઈ જાતિના વરિષ્ઠ કહેવાતી વ્યક્તિઓએ પોતાનું જાતિગત વરિષ્ઠપણું છોડી પોતાના અજ્ઞાની અને દુ:ખી બંધુઓને જ્ઞાની અને સુખી બનાવ્યા. આનાથી તેમનામાં પ્રેમ સંપાદનથી તેમનામાં પોતીકાપણાની નવી રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન કરી. ત્યાં માતૃભૂમિની ઉન્નત અવસ્થા માટે કારણભૂત બન્યું.’ બાબાસાહેબે ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક જેવા વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે અને ભાષણો કર્યા છે. આ બધામાં એમનો રાષ્ટ્રીય દ્રષ્ટ્રિકોણ પ્રતિબિંબિત થતો જોઇ શકાય છે. એનો આપણે સૂક્ષ્મતાથી અભ્યાસ કરીએ તો એમાં મહાન રાષ્ટ્રપુરૂષના દર્શન થાય છે. રાષ્ટ્રનિર્માણમાં ડો. બાબાસાહેબનું યોગદાન ઐતિહાસિક છે.