આજકાલના સમયમાં લોકોને મોડી રાત સુધી ઊંઘ ન આવવી કે રાત્રિ દરમિયાન ત્રણ-ચાર વખત ઊંઘ ઊડી જવી અથવા તો સવારે જાગે ત્યારે થાક કે બેચેની અનુભવવી જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે
આપણે રોજિંદા જીવનમાં ઘણાં લોકોને ઊંઘની સમસ્યાથી પીડિત જોતાં હોઈએ છીએ. આજકાલના સમયમાં લોકોને મોડી રાત સુધી ઊંઘ ન આવવી કે રાત્રિ દરમિયાન ત્રણ-ચાર વખત ઊંઘ ઊડી જવી અથવા તો સવારે જાગે ત્યારે થાક કે બેચેની અનુભવવી જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. સામાન્ય રીતે મનુષ્ય ચોવીસ કલાકમાંથી લગભગ આઠ કલાક જેટલો સમય ઊંઘ માટે ફાળવતો હોય છે, અને સારી ઊંઘ માટે પોતાના બેડરૂમનું અને પલંગની દિશાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે. આજકાલના સમયમાં મારી સુવાની જગ્યા બદલાઈ એટલે મને આખી રાત ઊંઘ ન આવી તે સાંભળવું ખૂબ જ સહજ થઈ ગયું છે. વ્યક્તિ જો રાત્રિ દરમિયાન પૂરતી અને વિક્ષેપ વગરની ઊંઘ મેળવે છે તો બીજા દિવસ માટે તે પોતાને શારીરિક અને માનસિક રીતે રિચાર્જ કે સુસજ્જ કરે છે.
- Advertisement -
વાસ્તુ પ્રમાણે સમજીએ તો તમારા ઘરની અંદર તમારા બેડરૂમની દિશા કે ખૂણો, તમારા પલંગની દિશા, બેડરૂમની અંદર ઉપયોગમાં લેવાયેલ રંગોની ઘણો મોટો પ્રભાવ તમારી ઊંઘ અને માનસિક શાંતિ પર રહેલો છે. આપના ઘરના અંગત સ્થાનોમાંથી એટલે આપનો બેડરૂમ. આજે આપણે બેડરૂમ વિશે વાસ્તુના સંદર્ભમાં તેના પ્રભાવ વિશે વિસ્તારથી માહિતી મેળવીશું.
ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિએ હંમેશાં નૈઋત્ય ખૂણાનો રૂમ એટલે કે દક્ષિણ અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો રૂમનો ઉપયોગ માસ્ટર બેડરૂમ તરીકે કરવો જોઈએ.
જે લોકોનું કામ માર્કેટિંગને લગતું હોય અથવા તો પ્રવાસ-પર્યટન કરવાથી તેમના વ્યવસાયમાં લાભ થતો હોય તેવા લોકોએ ઘરના પશ્ર્ચિમ અને ઉત્તર વચ્ચેનો ખૂણો એટલે કે વાયવ્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરવો. આ ઉપરાંત જે દીકરીઓ વિવાહ યોગ્ય ઉંમર ધરાવતી હોય તથા તેમના માટે લગ્નસંબંધી વાતચીતો ચાલતી હોય પરંતુ તેમાં જો વિલંબ કે વિક્ષેપ આવતો હોય, તે દીકરીઓ પણ વાયવ્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરશે તો સગાઈ કે લગ્ન સંબંધી કામોમાં સફળતા મળી શકશે.
- Advertisement -
વાસ્તુની અંદર ઉંમર અને પ્રવૃત્તિને આધારે ઘરના દરેક સભ્યને તેમના રૂમની ફાળવણી કરવી. કઈ વ્યક્તિ માટે ક્યો રૂમ અનુકૂળ છે, તે માટે આપના વાસ્તુ નિષ્ણાતની સલાહને અનુસરશો.
પલંગની દિશાની વાત કરીએ તો સૂતી વખતે તમારૂં માથું પૂર્વ દિશામાં અને પગ પશ્ર્ચિમ દિશામાં હોય તે રીતે પલંગની ગોઠવણી કરવી. આ સિવાય તમે માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં હોય તે રીતે પણ સૂઈ શકો છો, પરંતુ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું નહીં. ઘણાં લોકોના ઘરમાં વાસ્તુ વિઝિટ દરમિયાન અમે અનુભવ્યું છે કે ફર્નિચરની ગોઠવણીમાં બેડ એટલે કે પલંગની પોઝિશન ઉત્તર દિશામાં માથું રહે તે રીતે સેટ થયેલી હોય છે. પાછળથી વાસ્તુ સંબંધી જાણકારી મળતાં તે લોકો ઉત્તર દિશામાં માથું રાખવાને બદલે તે જ બેડ પર દક્ષિણ દિશામાં માથું રાખીને સૂતા હોય છે પરંતુ આવા કિસ્સામાં મારી સલાહ એ બને છે કે તમારા માથાની પાછળ દિવાલ હોવી ખૂબ જરૂર છે અથવા તો બેડનો હેડ રેસ્ટ બનાવેલો હોય તે આવશ્યક છે માટે સાચી દિશામાં પાછળ દિવાલ કે પલંગનો હેડ રેસ્ટ ન હોય, સ્ટ્રોંગ સપોર્ટ ન હોય તે રીતે સૂવું નહીં.
વાસ્તુ વિઝિટ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું છે કે લોકો બેડને રૂમના એક ખૂણામાં રાખી દેતાં હોય છે. જો રૂમની અંદર જગ્યા હોય તો બેડને એક ખૂણામાં ન રાખતાં સાચી દિશાની દીવાલમાં વચ્ચે રાખવો.
પલંગની અંદર મેટલની વસ્તુનો સ્ટોરેજ ન કરવું, કાંઈ જ સ્ટોરેજ ન કરીએ તો વધુ સારૂં
સાચી દિશામાં પલંગની ગોઠવણી દરમિયાન ખાસ ધ્યાન રાખવું કે પલંગની અંદર સ્ટોરેજ કાંઈ ન કરીએ તો વધારે સારૂં. કદાચ જગ્યાના અભાવે સ્ટોરેજ કરવું પડે તો બેડની અંદર કોઈ મેટલની વસ્તુનો સ્ટોરેજ તો ન જ કરવું, પરંતુ સૂવા માટે ઉપયોગી ચાદર, બ્લેન્કેટ કે ઓશિકાનું સ્ટોરેજ કરી શકાય.
આ સિવાય વાસ્તુ અનુસાર પ્રાચીન ગ્રંથોમાં રૂમનો ઉપયોગ કરનાર વ્યક્તિના નક્ષત્રના આધારે તેમના માટે રૂમના યોગ્ય લંબાઈ અને પહોળાઈની પણ ગણતરી આપવામાં આવેલી છે, પરંતુ આજકાલ જગ્યાઓ ખૂબ મોંઘી હોવાથી નાની જગ્યામાં બધી જરૂરિયાતને પૂર્ણ કરવાની હોવાથી આ બધી ગણતરીઓને કોઈ અનુસરી શકતું નથી.
પલંગનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો ખૂબ આવશ્યક છે. ગોળાકાર કે આડાઅવળા શેપનો બેડ બનાવવો નહીં.
પલંગના મટિરિયલની અંદર લાકડું વપરાય તો સૌથી ઉત્તમ રહેશે. બેડના મટિરિયલમાં સંપૂર્ણ ધાતુ કે મેટલનો બનેલો પલંગ સમસ્યાવર્ધક છે. જે સારા સ્વાસ્થ્ય અને સારી રોગ પ્રતિકારક શક્તિમાં બાધા ઉત્પન્ન કરે છે.
ઘણાં લોકો નકામી વસ્તુઓનો સંગ્રહ પલંગની અંદર કરતાં હોય છે, જેને હરહાલતમાં ટાળવું. કોઈ પણ પ્રકારનો બિનજરૂરી સામાન પલંગના સ્ટોરેજમાં રાખવો નહીં.
આપના પલંગ નીચેથી હવાની અવરજવર થઈ શકે તે પ્રકારની ડીઝાઈન બનેલી હશે તો તે સારૂં રહેશે.
બેડરૂમની સજાવટ કરતી વખતે રંગોનું પણ મહત્ત્વ છે. ઘરની વ્યક્તિઓના કામના આધારે રંગોની પસંદગી કરવી.
માસ્ટર બેડરૂમની અંદર લાલ કે કાળા રંગનો ઉપયોગ કરવો નહીં તથા ડાર્ક કે ભડકીલા રંગોનો ઉપયોગ માસ્ટર બેડરૂમમાં કરવો નહીં.
માસ્ટર બેડરૂમની અંદર અથવા ઘરના નૈઋત્ય ખૂણાના રૂમમાં તિજોરી અથવા કિંમતી ચીજવસ્તુઓ રોકડ રકમ કે દાગીના રાખવા માટેનો કબાટ કે ડ્રોઅર બનાવવા જોઈએ, જે ઉત્તર દિશા તરફ ખૂલે તે રીતે ગોઠવણી કરવી.
રૂમની અંદર જો કબાટ રાખવાનો હોય તો તે રૂમના દક્ષિણ કે પશ્ર્ચિમ દિશા તરફ રાખવો. રૂમની પૂર્વ દિશા ઈશાન ખૂણો તથા ઉત્તર દિશામાં વજન ઓછું રાખો.
યાદ રાખશો, આપની સૂવાની જગ્યા આપના મનને શાંત કરી બીજા દિવસ માટેની પ્રચૂર ઊર્જા આપવામાં અગત્યનો ભાગ ભજવે છે જેથી કરીને આપના શયન કક્ષમાં કોઈ યુદ્ધના ચિત્રો કે આક્રમકતા આપતાં પિક્ચર રાખશો નહીં.
ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે કે જો બેડની સાઈઝ પ્રમાણમાં મોટી હોય તો લોકો બે ગાદલાંને બાજુ-બાજુમાં રાખીને તેના પર સૂતા હોય છે. વાસ્તુ પ્રમાણે એક બેડમાં એક સિંગલ ગાદલાંનો ઉપયોગ કરવો વધારે યોગ્ય રહેશે.
એક વાત ખાસ યાદ રાખશો કે આપના બેડરૂમની અંદર હલનચલન અને એનર્જી મૂવમેન્ટ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. ઘણી જગ્યાએ રૂમની અંદર એટલું બધું ફર્નીચર કે વસ્તુઓ રૂમની અંદર ચારેબાજુ જોવા મળતી હોય છે કે ખાલી જગ્યા શોધવી મુશ્કેલ થઈ પડે. આવું ન કરતાં બેડરૂમની અંદર જરૂરિયાત પૂરતી વસ્તુઓ જ રાખશો.
સૂવાની વ્યવસ્થામાં હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે પત્નીએ પતિના ડાબા હાથ તરફ સૂવું જોઈએ.
બેડની ઉપર બીમ કે કોઈ સ્ટોરેજ માટેની વજનદાર વસ્તુઓ ન હોય તેનો ખાસ ખ્યાલ રાખવો. આપના સૂવાની જગ્યાની ઉપર જો બીમ આવતો હોય તો પીઓપી કે સિલિંગની અંદર તેને કવર કરી ઢાંકી દેવા.
ઘણાં અનુભવોમાં જોવામાં આવ્યું છે કે લોકો સમજ્યા વગર પિરામીડનો ઉપયોગ આડેધડ કરતાં હોય છે અને બેડરૂમની અંદર પણ પિરામીડ આકારની સિલિંગ બનાવતાં હોય છે. એક વાત ખાસ યાદ રાખશો કે પિરામીડ શેપની નીચે સૂવાનું યોગ્ય નથી. તે તમારા નિંદ્રાચક્રને અવરોધિત કરી શકે છે, માટે રૂમની અંદર પિરામીડ કે કોઈ અણીદાર આકારની સિલિંગ કે પીઓપી ન કરવી.
સૂતી વખતે બાળકોનું માથું જો પૂર્વ દિશામાં અને પગ પશ્ર્ચિમ દિશામાં હશે તો તે શુભ રહેશે.
અગ્નિ ખૂણાના બેડરૂમનો ઉપયોગ ગેસ્ટ બેડરૂમ તરીકે કરવું વધારે સારૂં રહેશે, પરંતુ ઘણીવાર જગ્યાના અભાવે ઘરની અન્ય કોઈ વ્યક્તિએ અગ્નિ ખૂણાના રૂમનો ઉપયોગ કરવો પડે તો પણ નવપરિણિત દંપતિએ આ રૂમમાં સૂવાનું ટાળવું જોઈએ.
બેડરૂમની અંદર મિરર એટલે કે અરિસાનો ઉપયોગ સંયમપૂર્વક કરવો. ઘણી વખત નાના રૂમને મોટો દર્શાવવા માટે લોકો રૂમની ચારે બાજુ અરિસા લગાવતાં હોય છે જે યોગ્ય નથી. આપના બેડની સામે મિરર એટલે કે અરિસા હોય અને તેને હટાવી શકાય તેમ ન હોય તો રાત્રે સૂતા સમયે તેને ઢાંકી શકાય છે.
બેડરૂમની અંદર મંદિર ન રાખવું.
વાસ્તુ મુજબ આપનો પલંગ દરવાજો ખૂલતાં એકદમ સામે ન હોવો જોઈએ પરંતુ દરવાજાથી દૂર સાચી દિશામાં બેડની ગોઠવણી કરવી.
ફાર્મ હાઉસ કે વીક-એન્ડ બંગલામાં કે જ્યાં જગ્યા ઘણી વિશાળ હોય છે એટલે સ્વાભાવિકપણે બધાં બેડરૂમની સાઈઝ પણ પ્રમાણમાં મોટી હોય છે. વાસ્તુ વિઝિટ દરમિયાન કોઈ એક કે બે વખત એવું પણ ધ્યાનમાં આવેલું કે બેડની પોઝિશન ખૂણામાં સેટ કરેલી હોય જે વાસ્તુ પ્રમાણે યોગ્ય નથી. આપના રૂમની અંદર પલંગને જ્યાં બે દીવાલ ભેગી થતી હોય ત્યાં ક્રોસમાં રાખશો નહીં.
વાસ્તુની આટલી બાબતોનું આપ ધ્યાન રાખશો તો આપ ખલેલ વગરની સારી ઊંઘ મેળવી શકશો અને બીજા દિવસે સ્ફૂર્તિ અને પ્રસન્નચિત્તે દિવસની શરૂઆત કરી શકશો.
આવા જ કોઈ નવા વાસ્તુ વિષય સાથે ફરી મળીશું આવતાં શનિવારે…..