પ્રાણપ્રતિષ્ઠા થતાં જ બદલાઈ ગઈ મૂર્તિની આભા: શિલ્પકારે વર્ણવ્યા પોતાના અદ્ભુત અનુભવો
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામલલાની સુંદર મૂર્તિ દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. તેઓ જ પહેલા એવા ભાગ્યશાળી વ્યક્તિ છે જેમણે રામલલાની મૂર્તિને તૈયાર થયા બાદ સૌથી પહેલાં જોઈ હતી. દેશમાં તેમના દ્વારા નિર્મિત મૂર્તિની ખૂબ પ્રશંસા થઇ રહી છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ સૌ કોઈ તેમણે પ્રતિમા અંગેના અનુભવ વિશે પૂછી રહ્યું છે, ત્યારે અરુણ યોગીરાજે એક ઈન્ટરવ્યુમાં તેમના મૂર્તિ બનાવવા સમયના અનુભવો વિશે વિસ્તારની વાતો કરી છે.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજે પોતાના અનુભવ વિશે વાત કહ્યું કે, આ કામ તેમણે જાતે નથી કર્યું પણ ભગવાને તેમની પાસે કરાવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ રામલલાની મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યારે દરરોજ મૂર્તિ સાથે વાતો કરતા. એકાંતમાં મૂર્તિને કહેતા કે, પ્રભુ, કૃપા કરીને મને બીજા બધા કરતાં પહેલાં દર્શન આપો. અરુણ યોગીરાજના કહેવા મુજબ જ્યારે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મૂર્તિને જોઇને તેઓ અચંબિત થઇ ગયા. તેમને લાગ્યું કે આ મૂર્તિ તો જાણે તેમણે બનાવી જ નથી. પ્રાણપ્રતિષ્ઠા બાદ મૂર્તિના હાવભાવ તદ્દન બદલાઈ ગયા હતા. તેમણે લોકોને પણ જણાવ્યું કે તેમને વિશ્ર્વાસ જ નથી થઇ રહ્યો કે, આ મૂર્તિ પોતે બનાવી છે.
અરુણ યોગીરાજે કહ્યું, જ્યારે મેં મૂર્તિ બનાવી હતી ત્યારે તે સાવ અલગ હતી. ગર્ભગૃહમાં લઈ ગયા બાદ અને પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી તે તદ્દન અલગ થઇ ગઈ છે. મેં ગર્ભગૃહમાં પૂરા 10 દિવસ વિતાવ્યા. એક દિવસ હું ત્યાં બેઠો હતો ત્યારે મને અંદરથી લાગ્યું કે આ મારું કામ છે જ નહીં. હું મૂર્તિને ઓળખી જ ન શક્યો. ગર્ભગૃહમાં જતાં જ તેની આભા બદલાઈ ગઈ છે. હવે ફરીથી હું આ મૂર્તિ ન બનાવી શકું. જ્યાં સુધી નાની મૂર્તિઓ બનાવવાની વાત છે, હું તેના વિશે પછીથી વિચારીશ.
રામલલાની મૂર્તિ પર ઈન્ટરવ્યૂ આપતી વખતે શિલ્પકાર અરુણ યોગીરાજ ખુલ્લા પગે બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, દુનિયાને બતાવતાં પહેલાં તેમણે પોતે માનવું હતું કે મૂર્તિમાં રામ હાજર છે. તેમણે કહ્યું, હું દુનિયાને દેખાડતાં પહેલાં જાતે દર્શન કરવા ઈચ્છતો હતો. હું તેઓને કહેતો કે, પ્રભુ કૃપા કરીને મને દર્શન આપો. ત્યારે ભગવાન પોતે મને મૂર્તિનિર્માણ માટેની જાણકારી ભેગી કરવામાં મદદ કરતા. ક્યારેક દિવાળી દરમિયાન કોઈ અગત્યની માહિતી મળી ગઈ, તો ક્યારેક એવાં ચિત્રો મળ્યાં જે 400 વર્ષ જેટલાં જૂના હતાં. રામભક્ત હનુમાનજી પણ અમારા દરવાજે આવતા, દરવાજો ખખડાવતા, બધું જોતા અને પછી ચાલ્યા જતા.
પોતાના અદ્ભુત અનુભવો વર્ણવતાં તેમણે કહ્યું કે, મૂર્તિ બનાવતી વખતે એક વાનર દરરોજ સાંજે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન તે જગ્યાએ આવતો, બધું જોતો અને પછી શાંતિથી જતો રહેતો. અમે ક્યારેક વધારે ઠંડીમાં દરવાજા બંધ કરી દેતા, ત્યારે તે વાનર ઝડપથી દરવાજો ખોલતો, અંદર આવતો, મૂર્તિને ધ્યાનથી જોતો અને પછી ચાલ્યો જતો. કદાચ તેને પણ મૂર્તિને જોવાનું મન થતું હશે.
ઈન્ટરવ્યૂ દરમિયાન અરુણ યોગીરાજને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમને કોઈ સપનાં પણ આવતાં હતાં? તો જવાબમાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 7 મહિનાથી સરખી રીતે ઊંઘી શક્યા નથી. તેથી તેઓ આ અંગે કંઈ કહી શકશે નહિ. પરંતુ તેમના મનમાં એક વિચાર કાયમ રહેતો કે તેઓ જે કરી રહ્યા છે તે દેશને ગમવું જોઈએ. તેમણે કહ્યું કે, તેમનો વિશ્ર્વકર્મા સમુદાય સદીઓથી આ જ કાર્ય કરી રહ્યો છે. તેમના સ્થાનિક વિસ્તારમાં એક કહેવત પણ છે ‘ભગવાનના સ્પર્શથી પથ્થરો ફૂલ બની ગયા અને શિલ્પકલાના સ્પર્શથી પથ્થર ભગવાન બની ગયા.’ આટલું પ્રશંસનીય કામ કર્યાં પછી પણ અરુણ યોગીરાજ પોતે રામલલાની મૂર્તિ બનાવવાનો શ્રેય લેતા નથી. તેઓ કહે છે કે, ભગવાને તેમની ઈચ્છાથી મારી પાસે આ કામ કરાવ્યું છે. તેમની ઈચ્છા વગર તેઓ મૂર્તિ કેવી રીતે બનાવી શક્યા હોત.
બીજા એક ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે, રામલલાને પથ્થરમાંથી મૂર્તિસ્વરૂપમાં બદલાતા જોવા માટે તેમણે 6 મહિના સુધી રાહ જોઈ છે. તેમણે જણાવ્યું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલી રામમૂર્તિ 51 ઈંચ ઊંચી છે. આ પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, વૈજ્ઞાનિકોએ ગણતરી કરી હતી કે જો મૂર્તિ આ કદની હશે, તો રામ નવમીના પાવન દિવસે સૂર્યના કિરણો સીધા ભગવાન રામના મસ્તક પર પડશે. આ ઈન્ટરવ્યુમાં તેમણે એ પણ જણાવ્યું કે, મૂર્તિ નિર્માણ દરમિયાન તેમના આસિસ્ટન્ટ્સના ગયા પછી તેઓ ભગવાનની મૂર્તિ પાસે એકલા બેસી રહેતા, અને પ્રાર્થના કરતા કે ભગવાન બીજા લોકો કરતા પહેલાં મને દર્શન આપજો.