શ્રાવણના પ્રથમ દિવસે રામનાથ મહાદેવ અને પંચનાથ મંદિરે ભક્તો ઉમટ્યા
આ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળતું હોવાની માન્યતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા રાજકોટના શિવાલયો હર..હર..મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતા. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે. ત્યારે રાજકોટનાં સ્વયંભૂ રામનાથ મહાદેવ અને ઐતિહાસિક પંચનાથ મંદિરે પણ શિવ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસનાં દરેક સોમવારે અહીં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. તેમજ મહિના દરમિયાન એક લાખ કરતા વધુ ભક્તો મહાદેવનાં દર્શન કરી ધન્ય થતા હોવાનું પૂજારીએ જણાવ્યું હતું. આ મહિનામાં મહાદેવની પૂજા કરવાનું ખાસ મહત્વ હોવાથી લોકો પોતાની ભાવના અનુસાર દૂધ, ઘી બીલીપત્ર, ફૂલ અને પુષ્પ સહિતની વસ્તુઓ દ્વારા શંકર ભગવાનનો અભિષેક કરવાથી તેમની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. હિંદુ શાસ્ત્ર પ્રમાણે અલૌકિક ગણાય છે. જેને લઈને આજના પવિત્ર દિવસે ભાવિભક્તો ભગવાન શિવના મંદિરે જઈને પૂજન-અર્ચન કરતા હોય છે. આ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે. આજથી લઈને આખો મહિનો હવે શિવાલયોમાં ભક્તોની ભીડ જામશે. ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ માસને દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માસ માનવામાં આવે છે. આ મહિનો શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ખાસ કરીને આ મહિને શિવજીની વિશિષ્ટ રીતે પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય પ્રાપ્તિ તથા આકસ્મિક અકસ્માતથી પણ બચી શકાય છે.