લઠ્ઠાકાંડમાં એમોસ કંપનીના સંચાલકોને વચગાળાની રાહત!
ખાસ-ખબર સંવાદદાતા
બોટાદના રોજીદ ગામે થયેલા લઠ્ઠાકાંડ મામલે એમોસ કંપનીના સંચાલકોને વચગાળાની રાહત હાઈકોર્ટ તરફથી આપવામાં આવી છે. 12 સપ્ટેમ્બર સુધી સમીર પટેલ સહિત એમોસ કંપનીના સંચાલકોની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ એમોસ કંપની દ્વારા મૃતકોને 3 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ઈજાગ્રસ્તોને 1 લાખ ચૂકવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. લઠ્ઠાકાંડમાં એમોસ કંપનીના સમીર પટેલ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધાયેલો હોય મામલો ગંભીર બન્યો હતો. આ મામલે એમોસ કંપનીના સંચાલકો દ્વારા હાઈકોર્ટથી લઈને જિલ્લા અદાલત સુધી આગોતરા જામીન મેળવવાના પ્રયાસ થઈ રહ્યા હતા ત્યારે તેમને હાઇકોર્ટમાંથી વચગાળાની રાહત મળી ગઈ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે બોટાદના રોજીદ ગામમાં થયેલા લઠ્ઠાકાંડના કારણે મોટી સંખ્યામાં લોકોનો મોત થયા હતા. આ મામલે સરકારે પોલીસ અધિકારીઓની બદલી અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરી હતી ત્યારે કેમિકલ સપ્લાય કરનાર કંપની એમોસના માલિક સમીર પટેલ વિરૂદ્ધ પણ રહી-રહીને કાયદાનો ગાળીયો કસ્યો હતો. જે મામલે સમીર પટેલને હાઈકોર્ટે ટુંકા સમયની રાહત આપી છે.
હાઇકોર્ટ દ્વારા 12 સપ્ટેબર સુધી એમોસ કંપનીના સંચાલકોની ધરપકડ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યાં સુધી ચૂકાદાનો હુકમ 12 સપ્ટેમ્બર પહેલા ના આવે ત્યાં સુધી આરોપીની ધરપકડ પોલીસ કરી શકશે નહીં. ખાસ કરીને એમોસ કંપની તરફથી મૃતકોને 3-3 લાખ તેમજ ઈજાગ્રસ્તને 1-1 લાખ મળી કુલ 2.25 કરોડ જેટલું વળતર ચૂકવવામાં આવશે એવું કહેવાય રહ્યું છે. એમોસ કંપનીના ડિરેક્ટર સહીતના કંપનીના 4 માલિકોના નામો લઠ્ઠાકાંડમાં સામે આવ્યા હતા ત્યારે સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં આગોતરા મેળવવા માટે અરજી કરાઈ હતી. આ અગાઉ સીટ દ્વારા સમન્સ મોકલતા તેઓ હાજર ના થતા લૂક આઉટ નોટીસ જારી કરાઈ હતી. જેથી સમીર પટેલ સહીતના સંચાલકોએ આ મામલે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લઠ્ઠાકાંડમાં કાગળ પર આશરે 50 લોકોના મોત થયા છે એવું કહેવાય રહ્યું છે.
એમોસ કંપનીએ લઠ્ઠાકાંડનાં મૃતકોને 3 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખ મળી આશરે 2.25 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી દર્શાવી!
- Advertisement -
વળતરની વાત મૃતકનો વાસ્તવિક આંક બહાર લાવશે?
લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકોને રૂા. 3 લાખ આપવાની એમોસ કંપનીના ડાયરેકટરોની વાતથી વાસ્તવમાં કેટલા લોકો લઠ્ઠાકાંડમાં મોતને ભેટ્યા તે અંગે તરહ-તરહની ચર્ચા થઈ રહી છે. સરકારી આંકડા 50થી અંદર છે તો બિનસત્તાવાર રીતે 70થી વધારે લોકોના મોત નિપજ્યાની વાત છે ત્યારે જો વળતર ચૂકવાય તો કોને મળશે? મૃતાંકનો વાસ્તવિક આંક કેટલો? તે પણ સવાલ છે. લઠ્ઠાકાંડના શરૂઆતના બે દિવસ દરમિયાન મૃત્યુઆંક ખૂબ જ મોટો હોવાની વાત બહાર આવી હતી, પરંતુ ત્યારબાદ જાદુઈ રીતે મોતનો આંકડો ઘટવા લાગ્યો સારવાર દરમિયાન મોતને ભેટનારાઓનો સમાવેશ વળતરમાં થશે કે આ મૃત્યુ લઠ્ઠાકાંડના કારણે નથી થયું તેમ કહી વળતરનો છેદ ઉડાવી દેવામાં આવશે?