ત્રણ વખત ઉંચા ભાવના ટેન્ડરો આવતા હોવાથી માર્ગની કામગીરી અટકી
ગામના સરપંચ માયાબેન વાછાણીએ ન્યાયની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં 13 ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ તાલાલા-આંબળાશ ગીર ગામને જોડતો માર્ગ સાવ ખલાસ થઈ ગયેલ હોય માર્ગ નવનિર્મિત બનાવવા માટે સરકારે ફાળવેલ રૂ.1 કરોડ 51 લાખની ગ્રાન્ટ બાંધકામ કચેરી માં ધુળ ખાય છે.નવનિર્મિત માર્ગ બનાવવા ત્રણ વખત ઉંચા ભાવના ટેન્ડરો આવતા હોવાથી માર્ગની કામગીરી અટકી ગઈ હોય આ અંગે તુરંત તપાસ કરી ગ્રામીણ પ્રજાને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે આંબળાશ ગીર ગ્રામ પંચાયતે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
આંબળાશ ગીર ગ્રામ પંચાયતના સરપંચ માયાબેન વાછાણી એ ગીર સોમનાથ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલાલા-આંબળાશ માર્ગ પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે અત્યારે આ માર્ગ ઉપર ઠેરઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે જેથી માર્ગ ઉપરથી પસાર થવું વાહનચાલકો માટે કઠીન બની ગયું છે.આંબળાશ ગીર વિસ્તારના 13 ગામની ગ્રામીણ પ્રજાની હાલાકીનો સુખરૂપ અંત લાવવા રાજ્ય સરકારે આ માર્ગ નવનિર્મિત બનાવવા રૂ.1 કરોડ 51 લાખની ગ્રાન્ટ એક વર્ષ પહેલાં ફાળવી છે.આ માર્ગ નવનિર્મિત બનાવવા બાંધકામ વિભાગે ત્રણ વખત ઓનલાઈન ટેન્ડરો મંગાવેલ પરંતુ દરેક વખતે ભાવ ઉંચા આવતા હોવાથી ટેન્ડરો નાંમંજૂર કરવામાં આવ્યા છે જેથી નવનિર્મિત માર્ગ બનાવવાની કામગીરી ટલ્લે ચડી ગઈ હોય માર્ગ બનાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.તાલાલા-આંબળાશ ગીર નવનિર્મિત માર્ગ બનાવવાની કામગીરી શાં માટે આગળ વધતી નથી..??આ માટે કોણ જવાબદાર..??તે અંગે તુરંત તપાસ કરી આંબળાશ વિસ્તારના 13 ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ નવનિર્મિત માર્ગની કામગીરી વહેલાસર આગળ વધે માટે ઘટતું કરવા આંબળાશ ગ્રામ પંચાયતે કલેકટર સમક્ષ માંગણી કરી છે. આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં ભરતભાઈ વાછાણી,ગોવિંદભાઈ ચુડાસમા,ઉમેશભાઈ ડેડકીયા,મગનભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.