રાજ્યપાલએ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સહભાગી બની ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત આદિકાળથી વેદોની સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો દેશ છે. આપણા વેદોમાં ધરતીને મા કહેવામાં આવી છે. આજે ઉત્પાદન વધારે લેવાની લાલચમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફમ ઉપયોગે ધરતી માતાને અનેક સમસ્યાઓથી ગ્રસ્ત કરી દીધી છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના સતત ઉપયોગ કરવાથી આજે ધરતીની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જંગલના વૃક્ષોને યુરિયા અને ડીએપીની જરૂરિયાત રહેતી નથી. છતાં પણ સમય થતાં જંગલના વૃક્ષો પર ફ્ળો આવે છે. જંગલના કોઈ પણ વૃક્ષના પાનને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે તો તેમાં એક પણ તત્વની ખામી જોવા મળતી નથી. જંગલમાં જે નિયમ કામ કરે છે. તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરવો જોઈએ. જો આવું થાય તો તેને પ્રાકૃતિક કૃષિ કહેવાય. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં લાંબા ગાળે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી આ એક વિશુદ્ધ વૈજ્ઞાનિક ભારતીય પદ્ધતિ છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે જોવા મળે છે. રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે અને પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગની સમાપ્તિ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત 50 ટકા જેટલી ઓછી હોય છે. તેનાથી ભૂગર્ભજળનું સ્તર પણ ઉપર આવે છે. પ્રાકૃતિક ખેતીમાં યુરિયા, ડીએપી અને કોઈ પણ પ્રકારના જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. જેથી અળસીયા અને મિત્ર કીટકો પણ પોતાનો પરિવાર
વધારી શકે છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મહંત લલિતકિશોરશરણજીએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને શાલ ઓઢાડી આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. કથાકાર મોરારી બાપુ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ટ્રસ્ટી ચંદ્રેશભાઇ ઝવેરી, બિપીનચંદ્ર ખાંદલા સહિત મોટી સંખ્યામાં ભાવિકો, ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.