-હીરો, ઓકિનોવા સહિતની કંપનીઓએ મેડ ઈન ઈન્ડિયાને બદલે આયાતી કમ્પોનન્ટસનો ઉપયોગ કરી નિયમ ભંગ કરતા પગલું લેવાયું
કેન્દ્ર સરકારે હીરો ઈલેકટ્રીક અને ઓકિનાવા સહિતની ઈલેકટ્રીક ટુ વ્હીલર બનાવતી સાત કંપનીઓ પાસેથી સબસીડી પેટે આપેલી રૂા.469 કરોડની રકમ પાછી લઈ લેશે. આ કંપનીઓએ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ ઈલેકટ્રીક વ્હીકલ્સ-2 સ્કીમના નિયમોનું પાલન કર્યું ન હોવાનું સરકારી અધિકારીએ કહ્યું હતું.
- Advertisement -
અધિકારીએ કહ્યું હતું કે જો આ કંપનીઓ સરકારને આ રકમ પરત નહીં કરે તો આગામી 7-10 જ દિવસમાં આ સ્કીમમાંથી તેમને ડિરજીસ્ટર કરી દેવાશે અને તેમાં હવે પછી તેઓ ભાગ નહીં લઈ શકે. ભારે ઉદ્યોગ મંત્રાલયે કરેલી તપાસમાં માલુમ પડયું હતું કે આ કંપનીઓએ નિયમનો ભંગ કરીને આ સ્કીમ હેઠળ સરકાર પાસેથી ઈન્સેન્ટીવ્ઝ લીધા હતા. આ સાત કંપનીઓમાં હિરો ઈલેકટ્રીક, ઓકિનાવા, ઓટોટેક, એમ્પીયર ઈવી, રિવોલ્ટ મોટર્સ, બેન્લિંગ ઈન્ડીયા, એમો મોબીલીટી અને લોહિયા ઓટોનો સમાવેશ છે.
નિયમ એવો છે કે, મેઈન ઈન ઈન્ડીયા કમ્પોનન્ટસનો ઉપયોગ કરીને આ કંપનીઓએ ઈલેકટ્રીક વ્હીકલ્સ બનાવવાના હતા. પરંતુ તપાસમાં માલુમ પડયું કે આ સાત કંપનીઓએ આયાત કરાયેલા કમ્પોનન્ટસનો ઉપયોગ કર્યો હતો.
સરકારે ઈવી ઉત્પાદનને બળ મળે અને સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થાય તે માટે 2019માં રૂા.10000 કરોડની એફએએમઈ-2 સ્કીમ હેઠળ ઈન્સેન્ટીવ્ઝ જાહેર કર્યા હતા.
મંત્રાલયને અનેક ઈ-મેઈલ મળ્યા હતા જેમાં કહેવાયું હતું કે અનેક ઈવી કંપનીઓ સરકાર પાસેથી સબસીડી તો લઈ રહી છે પરંતુ સ્થાનિક કમ્પોનન્ટસના ઉપયોગ સહિતના નિયમોનો ભંગ કરી રહી છે.
- Advertisement -
આથી સરકારે ગત વર્ષે વધુ સબસીડી તાત્કાલીક બંધ કરી દીધી હતી અને તપાસ કરી હતી. આ સાત પૈકી બે કંપનીઓએ મંત્રાલયને કહ્યું છે કે તેઓ ઈન્સેન્ટીવ્ઝની રકમ પરત કરી દેશે. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે સરકારે આ કંપનીઓ પૈકી એકપણ કંપનીને વાહનનું ઉત્પાદન બંધ કરવા નથી કહ્યું.