માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે કોંગ્રેસની માંગ
નુકશાનનો સર્વે 48 કલાકમાં કેમ ડ્રોન દ્વારા કરાતો નથી?: મનીષ દોશી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં જે રીતે ખેડુતો-ખેતીની સ્થિતિ છે એ જોતા એટલું સ્પષ્ટ રીતે કહી શકાય કે, ગુજરાતના કેડુતોના માથે પનોતી બેઠી છે એમ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે. માવઠાને કારણે પશુધનને નુકસાન થયું છે. ત્યારે રાજયની ભાજપ સરકાર 10 દિવસમાં સરવે પુરો કરીને ખેડૂતોને નુકશાનીનું વાસ્તવિક અને પુરતુ વળતર ચૂકવે તેવી માગ કરી છે. બીજી તરફ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ ડ્રોન ઉડાડીને કોવિડ સમયે માસ્ક વગર નાગરિકોને પકડવામાં આવતા હતા અને કરોડો રૂપિયા દંડ વસુલાયો તો પછી કમોસમી વરસાદને કારણે થયેલા નુકશનીનો સરવે 48 કલાકમાં ડ્રોન દ્વારા કેમ કરાતો નથી? તેવો સવાલ ઉઠાવી જવાબ માંગ્યો છે. કોંગ્રેસના નેતાઓએ માવઠાને કારણે ખેડૂતોની સાથોસાથ મોટા પ્રમાણમાં પશુધનને પણ નુકશાન થયું છે. તેનો પણ સરવે કરીને બજાર કિંમત મુજબ પશુપાલક પશુ ખરીદી શકે એટલી રકમ નકકી કરી પશુના મૃત્યુનું વળતર ચૂકવવા માગ કરી છે. પાક વીમા યોજના ચાલુ કરવા અને કમોસમી વરસાદમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલાના પરિવારને રૂા.10 લાખ સહાય આપવા માગ કરી છે.