કથામૃત: સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. એકવખત સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે ‘બચાવો…બચાવો’ એવી બૂમો સાંભળી. એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો. તેણે જોયું કે એક નાનો બાળક રોડના કાંઠે આવેલા આ ખાડામાં ફસાઈ ગયો હતો. ફ્લેમિંગે એ બાળકને બચાવ્યો. બીજા દિવસે એ બાળકના પિતા ફ્લેમિંગનો આભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઈક મદદ જોઈતી હોય તો મદદ કરવાની તૈયારી બતાવી. ફ્લેમિંગે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું, મેં જે કંઈ કર્યું છે એ તો માત્ર મારી એક માણસ તરીકેની ફરજ હતી. આ બંને વચ્ચેની વાત ચાલતી હતી એ સમયે ફ્લેમિંગનો નાનો દીકરો રમતો રમતો ત્યાં આવ્યો એટલે પેલા મહાનુભાવે પૂછ્યું, તમારો આ બાળક શું અભ્યાસ કરે છે ? ફ્લેમિંગે કહ્યું, શેઠ, અમારા ખેડૂતના દીકરાના નસીબમાં ભણવાનું ન હોય. એ તો મારી સાથે ખેતી કરશે.
પેલા મહાનુભાવે કહ્યું, ના, તેં મારા દીકરાને બચાવ્યો છે; તો હવે હું તારા દીકરાને ભણાવીશ. એ મહાનુભાવ ફ્લેમિંગના દીકરાને ભણાવવા માટે પોતાની સાથે લઈ ગયા. વર્ષો વીતી ગયાં બાળપણમાં ખાડામાં પડેલા જે બાળકને ફ્લેમિંગે બચાવ્યો હતો એ હવે યુવાન થઈ ગયો હતો પણ એ એની યુવાવસ્થામાં ન્યુમોનિયાના ભયાનક રોગમાં સપડાયો પરંતુ એ નસીબદાર હતો કે એ જ અરસામાં ન્યુમોનિયાની રસી પેનેસિલિનની શોધ થઈ હતી. આ શોધને કારણે એ યુવાન બચી ગયો. આ યુવાનની જીવાદોરી સમાન પેનિસિલિનની શોધ કરનાર બીજું કોઈ નહીં પરંતુ પેલા ખેડૂત ફ્લેમિંગનો દીકરો એલેક્ઝાંડર ફ્લેમિંગ હતો; અને નાનપણમાં ખેડૂતે બચાવેલો અને મોટા થઈને એલેકઝાંડર ફ્લેમિંગે બચાવેલો માણસ એટલે વી ફોર વિકટરીના સૂત્ર દ્વારા પડી ભાંગેલા બ્રિટનમાં નવી ચેતના ભરનાર વિન્સ્ટન ચર્ચિલ.
- Advertisement -
બોધામૃત
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ – આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય – એ માત્ર ભોતિકશાસ્ત્ર પૂરતો મર્યાદિત નથી. જીવનમાં પણ લાગુ પડે છે. કંઇક મેળવવું હોય તો પહેલા કંઈક આપતા પણ શીખવું પડે.
અનુભવામૃત
- Advertisement -
સત્કાર્યોનો કદી નાશ થતો નથી. વિનય દર્શાવનાર વિનય પ્રાપ્ત કરે છે. દયા આપનાર સ્નેહ મેળવે છે. બીજાને આપેલો આનંદ વ્યર્થ જતો નથી.
-બેજીલ