સિવિલના ડોક્ટરે દીકરીની અધૂરી સારવાર કરી, ભૂંડિયા પરિવારે આખી રાત ફૂટપાથ પર વીતાવી
ગોંડલના ત્રાકુડાના ભૂંડિયા પરિવારની દીકરી ભાવિશાની વ્હારે આવેલાં ‘ખાસ-ખબર’નાં રિપોર્ટર અને એક જાગૃત નાગરિકે મંત્રી રૈયાણીને ફોન કર્યો અને તાત્કાલિક સારવાર મળી
- Advertisement -
સરકાર, જનતા અને મીડિયા જો નક્કી કરે તો કોઈપણ સમસ્યા ઉકેલાઈ જાય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સાથે એક રાજ્યમંત્રીની માનવીયતાના દર્શન તેવી એક ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ગુરૂવારે રાત્રે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની બાળકીને માથામાં જીવાત પડી ગયાની સારવાર માટે સિવિલમાં આવ્યા હતા. પરંતુ તબીબે અપૂરતી સારવાર કરીને પરિવારને ત્યાંથી હાંકી કાઢ્યો હતો. ત્રાકુડા ગામે રહેતા જીણાભાઈ ભૂંડિયાની દીકરી ભાવિશાને ઘણા સમયથી માથામાં જીવાત પડી ગઈ હોવાથી તેઓ સારવાર અર્થે ગત ગુરૂવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ સવારે અહીં ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા અને ડોક્ટરે અધૂરી ટ્રીટમેન્ટ કરી રજા આપી દીધી. આ પરિવાર આખો દિવસ ત્યાં હેરાન થયો પરિવારે ડોક્ટરને આજીજી પણ કરી કે, માથામાં જીવાત પડી ગઈ હોવાથી હજુ ટ્રીટમેન્ટ બાકી છે પરંતુ તબીબ ટસનો મસ ન થયો અને આ પરિવારે આખી રાત સિવિલ હોસ્પિટલ બહાર ફૂટપાથ પર વિતાવવી પડી. તે જ સમયે પ્રશાંત કટારીયા નામના જાગૃત નાગરિકની નજર આ પરિવાર પર પડી અને તેની મદદ કરી. પ્રશાંત કટારીયાએ આ સમગ્ર ઘટના સમજી ખાસ ખબરની ટીમને ત્યાં બોલાવી. ત્યારબાદ વાહન વ્યવહારના રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીને ફોન કરી સમગ્ર ઘટનાનો વૃતાંત કહ્યો. ત્યારબાદ અરવિંદ રૈયાણીએ પણ જનપ્રતિનિધિ તરીકે પોતાનો ધર્મ સમજી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટને ફોન કરી તાત્કાલિકપણે આ દીકરીને સારવાર કરવા માટે કહ્યું અને એક ગરીબ પરિવારની દીકરીને સારવાર મળી.
- Advertisement -
શું લાગવગ હોય તેને જ તાત્કાલિક ટ્રિટમેન્ટ મળી શકે? તાર્કિક સવાલ
આ સમગ્ર ઘટનાનું હકારાત્મક પાસું એ છે કે, આ ભાવિશાને સારવાર મળી ગઈ. પરંતુ સવાલ ત્યારે એ થાય કે, સારવાર અર્થે આવતા દરેક દર્દીને પ્રશાંત કટારીયા તથા મીડિયા ટીમ સાથે નથી આવતી. તો તેનું શું થતું હશે? શું લાગવગ અથવા ઓળખાણ ધરાવતા લોકોને જ સિવિલમાં તાત્કાલિક અને પૂરતી સારવાર મળે છે? સિવિલ હોસ્પિટલની પોતાની પણ એક જવાબદારી છે કે, ગરીબ અથવા અભણ દર્દીની સાથે ઉભા રહીને હેરાન કર્યા વગર જ સારવાર કરવી જોઈએ.
ઓળખતા હોય કે ન ઓળખતા હોય સારવાર થવી જરૂરી: રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી
આ અંગે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી સાથે ખાસ ખબરે વાતચીત કરતા જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીને ઠપકો આપ્યો હતો અને કહ્યું કે, ઓળખાણ હોય કે ન હોય કોઈપણ બીમાર દર્દીની સારવાર થવી જરૂરી છે. મારા માટે સૌથી મહત્વનું ત્યારે એ હતું કે, દીકરીને ટ્રીટમેન્ટ મળે.