લગ્નોત્સવની કંકોત્રીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પોતાનો ખમીરવંતો ઈતિહાસ ધરાવતા અને તલવાર બનાવવાની કળા માટે જાણીતા એવા વાઢાળા સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ચોટીલા ખાતે આવેલા મોલેશ્ર્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાશે. આ પ્રસંગે વાઢાળા સમાજના ત્રણ નવદંપતિઓ સમાજના આગેવાનો, સાધુસંતો અને રાજકીય આગેવાનો, રાજવી પરિવારોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડશે.
આ અંગે માહિતી આપતાં વાઢાળા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું વાઢાળા સમાજ આર્થિક રીતે પછાત સમાજ પૈકી એક છે. જેમનો પ્રથમ સમૂહ લગ્નોત્સવનો શ્રેય સમાજના અને અન્ય સમાજના દાતાઓને જાય છે. રાજપૂત સમાજ, કાઠી સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ વગેરેના દાતાઓએ બે હાથ ખોલીને દાનની સરવાણી વહેતી કરી છે જેના પરિણામે આ સમૂહ લગ્નોત્સવ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે.
વાઢાળા સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવની કંકોત્રીમાં ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે લગ્નની વિધિ પહેલાં ગૌમાતાનું પૂજન કરી સમૂહ લગ્નોત્સવને ખુલ્લો મૂકવામાં આવશે. આજે પણ કુરિવાજો સામે લડી રહેલા સમાજમાં દીકરો દીકરી એકસમાન અને સ્ત્રી શિક્ષણનો સંદેશો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૌરક્ષાનું કામ કરતાં ગૌભક્તો અને સાધુસંતો મોટી સંખ્યામાં હાજરી આપીને નવદંપતિને આશીર્વાદ આપશે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે હરેશભાઈ સી. ચૌહાણ, કુલદીપભાઈ સોલંકી, કેતનભાઈ સંઘવી, મહાવીરભાઈ જૈન, જયમીનભાઈ કે. બોડાણા, હર્ષિતભાઈ એચ. ચૌહાણ, ભાવીનભાઈ વાળા આવ્યા હતા.