12 ફેબ્રુઆરીએ વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખશે; બાપાના દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
વિક્રમ સંવત 1937માં મહા વદ દશમીના દિવસે પૂજ્ય બાપા વૈકુંઠવાસ થયા હતા, જેની યાદમાં આગામી 12 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ વીરપુરમાં નિર્વાણ દિવસ મનાવવામાં આવશે.
વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ બાપા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના ભાગરૂપે વીરપુર વેપારી એસોસિએશન અને ગામના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વેપારી એસોસિએશનના અગ્રણી રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તમામ વેપારીઓ વ્યવસાય બંધ રાખી પૂજ્ય જલાબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. દર્શન અને સદાવ્રત અવિરત રહેશે વીરપુર આવતા લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાના દર્શન નિર્ધારિત સમયે ચાલુ રહેશે. વધુમાં, પૂજ્ય બાપાએ શરૂ કરેલું અને 200 વર્ષથી પણ વધુ સમયથી અવિરત ચાલતું સદાવ્રત (અન્નક્ષેત્ર) પુણ્યતિથિના દિવસે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી આવનારા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે.
વેપારી એસોસિએશનના રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું કે પૂજ્ય જલારામ બાપાની 145મી પુણ્યતિથિ (મહા વદ દશમ) નિમિત્તે મંદિરના માર્ગદર્શન મુજબ 12 ફેબ્રુઆરીના રોજ વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ આપશે.



