15 ગામ અને હજારો ખેડૂતો માટે જોખમ સમાન
ટોલ ટેક્સ વસૂલાય છે, પણ સુવિધા શૂન્ય: સ્થાનિકોનો આક્રોશ : વડોદરા જેવી દુર્ઘટનાની રાહ? તાત્કાલિક પગલાંની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલા યાત્રાધામ વીરપુર નજીક જેઠાબાપાના પુલની અત્યંત જર્જરિત હાલત સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ બની ગઈ છે. આ પુલ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે, અને તેની નીચેથી આસપાસના 15 જેટલા ગામોના ખેડૂતો અને અન્ય લોકો અવરજવર કરે છે. પુલની આ દયનીય સ્થિતિને કારણે સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક રિપેર કરવા અથવા નવો બનાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
વીરપુર ગામ પાસેનો જેઠાબાપાનો પુલ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. પુલમાંથી સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, અને જ્યારે તેના પરથી કોઈ ભારે વાહન પસાર થાય છે, ત્યારે પુલમાંથી કોંક્રિટના પોપડા ખરી પડે છે. આ પોપડા નીચેથી પસાર થતા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, પુલની રેલિંગ પણ તૂટેલી હાલતમાં છે. થોડા દિવસો પૂર્વે જ આ પુલ પાસે એક ટ્રક નીચે ખાબક્યો હતો, જેના કારણે પુલનો તે ભાગ સંપૂર્ણપણે રેલિંગ વગરનો થઈ ગયો છે, જે જોખમમાં વધુ વધારો કરે છે.
આ પુલ માત્ર નેશનલ હાઈવે પરના વાહનચાલકો માટે જ નહીં, પરંતુ તેના નીચેથી પસાર થતા સ્થાનિક લોકો માટે પણ અત્યંત મહત્વનો છે. પુલ નીચેથી વીરપુરથી મેવાસા, જેપુર, હરિપુર, થોરાળા સહિતના 15 જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો છે. આ ઉપરાંત, વીરપુરના હજારો ખેડૂતો પણ પોતાના ખેતરે જવા માટે આ જ પુલ નીચેથી પસાર થાય છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોને ભય છે કે જો વહેલી તકે આ પુલનું સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
- Advertisement -
સ્થાનિક વાહનચાલકો અને લોકોમાં હાઈવે ઓથોરિટી પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે એક તરફ સરકાર નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહનચાલકો પાસેથી રોજ લાખો-કરોડો રૂપિયાનો દંડ વસૂલી રહી છે, અને ઠેર ઠેર ટોલનાકા ઉભા કરીને મસમોટો ટોલ ટેક્સ ઉઘરાવી રહી છે. બીજી તરફ, કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલતા ટોલ નાકા પાસેના રોડ, બ્રિજ અને પુલના રિપેરિંગની હાઈવે ઓથોરિટીની જવાબદારી હોવા છતાં, કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર સિક્સ લેનનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે, ત્યારે આટલા મહત્વના પુલની ઉપેક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ પુલની જર્જરિત સ્થિતિ અંગે તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી. વાહનચાલકો અને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી જાણે વડોદરા જેવી કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી તંત્ર આ પુલને તાત્કાલિક નવો બનાવે અથવા તો તૂટેલા જર્જરિત પુલને રેલિંગ સહિત સત્વરે રિપેર કરે, જેથી લોકો સુરક્ષિત મુસાફરી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ખંભાળિયા કેનેડી બ્રિજ સંપૂર્ણપણે પ્રતિબંધિત
ખંભાળિયાના પ્રવેશદ્વાર નજીક ખામનાથ મહાદેવ મંદિર પાસે આવેલો 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) તેની અત્યંત જર્જરિત હાલતને કારણે ગઈકાલથી સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. પુલ પરના પ્રતિબંધ બાદ આસપાસના ગ્રામજનો અને રહીશોની સુગમતા માટે નગરપાલિકા દ્વારા આશરે રૂપિયા 94 લાખના ખર્ચે નદીના પટમાંથી એક સુવ્યવસ્થિત સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જેથી લોકોને હાડમારીમાંથી મુક્તિ મળી શકે. તેમ છતાં, કેટલાક ટુ-વ્હીલર અને મોટરસાયકલ ચાલકો પુલ પરની આડસને અવગણીને જોખમી રીતે તેના પરથી પસાર થતા હતા.