હાલની આઈપીએલ ફ્રેન્ચાઈઝી કે બિઝનેસ ગ્રુપ ટીમ ખરીદે તેવી શક્યતા: માર્ચ મહિનામાં રમાશે વિમેન્સ આઈપીએલ
આઈપીએલની તર્જ પર જ મહિલાઓ માટે ટી-20 લીગનું આયોજન કરાવવાની જાહેરાત થોડા સમય પહેલાં જ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત બોર્ડ દ્વારા એક પગલું આગળ વધતાં મહિલા આઈપીએલ માટે ટીમનો માલિકી હક્ક પ્રાપ્ત કરવા માટેના ટેન્ડર જાહેર કર્યા છે. હરાજીના માધ્યમથી જ મહિલા આઈપીએલની ટીમોને વેચવામાં આવશે. ભારતમાં કોઈ પણ બિઝનેસ ગ્રુપ ઈચ્છે તો મહિલા આઈપીએલની ટીમ પોતાના નામે કરવા માટે 21 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકે છે.
- Advertisement -
મહિલા આઈપીએલની ટીમ હાંસલ કરવાની ઈચ્છા રાખનારી હાલની ફ્રેન્ચાઈઝી અથવા અન્ય બિઝનેસ ગ્રુપે પાંચ લાખ રૂપિયાની રકમ બીસીસીઆઈ પાસે જમા કરાવવાની રહેશે. આ રકમ પરત કરવામાં આવશે નહીં.
બીસીસીઆઈ દ્વારા જણાવાયું છે કે, ટેન્ડરની પ્રક્રિયાનો હિસ્સો બનવા માટે માત્ર પાંચ લાખ રૂપિયા જમા કરાવવા જ પૂરતા નથી. જો દસ્તાવેજોની તપાસ દરમિયાન બીસીસીઆઈને લાગે કે તે પૂર્ણ નથી તો બોર્ડ એ વ્યક્તિ અથવા બિઝનેસ ગ્રુપને ઑક્શનની પ્રક્રિયામાંથી બહાર કરી શકે છે.
વિમેન્સ આઈપીએલની પહેલી સીઝનની શરૂઆત માર્ચ મહિનામાં થશે. બીસીસીઆઈએ પહેલાંથી જ આ માટે વિન્ડો સેટ કરી લેવામાં આવી છે. માર્ચના અંતમાં પુરુષ આઈપીએલની શરૂઆત થશે.
- Advertisement -
ફેબ્રુઆરીમાં વિમેન્સ વર્લ્ડકપ રમાવાનો છે. એવું જાણવા મળી રહ્યું છે કે પુરુષ આઈપીએલ પહેલાં જ મહિલા આઈપીએલની પહેલી સીઝન રમાડી દેવાની બીસીસીઆઈની યોજના છે. આ સીઝનમાં કુલ કેટલી મેચ રમાશે તેને લઈને બીસીસીઆઈએ સ્થિતિ સ્પષ્ટ કરી નથી.