હિન્દુ સંગઠનોની માંગના કારણે આણંદ જિલ્લાના બોરસદ-પેટલાદમાં અશાંત ધારો લાગુ કરાયો છે. જેના કારણે હવેથી મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. રાજ્યમાં આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. કારણ કે બોરસદ અને પેટલાદ આ બંને વિસ્તારોની ગણના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે.
- Advertisement -
બોરસદ-પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે
તમને જણાવી દઇએ કે, હિન્દુ સંગઠનોએ બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બંને વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણીને રાજ્યપાલે અંતિમ મહોર મારી દીધી છે. આથી, હવેથી બોરસદ અને પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે.
થોડાક મહિના અગાઉ પેટલાદમાં અશાંત ધારાની ઉઠી હતી માંગ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, થોડાક મહિના અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી અહીં કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે આંજણા સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પેટલાદ આંજણાવાડ વિસ્તારની કુલ વસ્તી 575ની છે, લગભગ દોઢ સો વર્ષથી આ વિસ્તારમાં આંજણા પટેલ અને ચૌધરી સમાજના પરિવારો રહે છે. આ આંજણાવાડ વિસ્તારમાં 1970-71થી કોમી હુલ્લડો થતા આવ્યા છે. ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો આવનારી પેઢીને ન કરવો પડે તે હેતુને ધ્યાને રાખતા થોડાક મહિના અગાઉ પેટલાદના આંજણાવાડ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઇ હતી.
અશાંત ધારો એટલે શું?
જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.