NAAC એક્રેડિએટ કોલેજોને જ નવા કોર્સની મંજૂરી મળશે
કોલેજોએ 31 માર્ચ સુધીમાં પ્રોફેસરોની ભરતી કરવી પડશે, BU-ફાયર NOC નહીં હોય તો એડમિશન અટકાવી દેવાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે આશરે 2 વર્ષ બાદ પહેલીવાર એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. નવો એક્ટ અને સ્ટેચ્યુટ લાગુ થયા બાદ પ્રથમ વખત મળેલી આ બેઠકમાં અગાઉના બે વર્ષના પેન્ડિંગ આશરે 506 જેટલા એજન્ડાની ચર્ચા કરી હતી. મોટાભાગના એજન્ડામાં કોલેજોના ચાલુ જોડાણની બાબતો મંજૂર કરી હતી.
નવા જોડાણ હવે નવા સ્ટેચ્યુટ પ્રમાણે બોર્ડ ઓફ ડીનમાં મુકાશે અને ત્યારબાદ મંજૂર કરાશે. યુનિવર્સિટીમાં કોર્સ કે નવી કોલેજોને મંજૂરીમાં અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલતી હતી તે બંધ થાય એવા કેટલાક નિર્ણયો કર્યા છે. હવે નેક એક્રેડિએટ હશે તે જ કોલેજોને નવા કોર્સની મંજૂરી મળશે. ઉપરાંત નવી કોલેજની મંજૂરી હવે યુનિવર્સિટી નહીં, પરંતુ સરકાર આપશે. ફાયર એનઓસી અને બીયુ સર્ટિ. ફરજિયાત કર્યા છે તેના વિના એડમિશન અટકાવી દેવાશે.
- Advertisement -
વર્ષ 2022-23 અને 2023-24 આ બંને વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન અને એનરોલમેન્ટ થઇ ગયા છે તેથી તેમાં કશું કરી શકાય તેમ ન હોવાથી તે જોડાણ મંજૂર કર્યા હતા. પરંતુ વર્ષ 2024-25માં જેટલી કોલેજોને જોડાણ આપવાના છે તેમાં મુખ્યત્વે ત્રણ નિયમ નક્કી કર્યા છે. તમામ કોલેજોએ પ્રોફેસરોની ખાલી જગ્યા 31મી માર્ચ-2025 સુધીમાં ભરી તમામ પ્રક્રિયા કરી તેનો લેટર યુનિવર્સિટીને મોકલવાનો રહેશે. દરેક કોલેજ પાસે બીયુ સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને ફાયર એનઓસી ફરજિયાત કરાયું છે જે રજૂ કરવી પડશે. આ ત્રણેય પૈકી એકપણ બાબત કોલેજ રજૂ ન કરી શકે તો તે કોલેજ શૈક્ષણિક વર્ષ 2024-25માં વિદ્યાર્થીઓના એડમિશન કરી શકશે નહીં.
જે કોલેજોએ વધારાનો વિષય કે નવા વિષયની માગણી કરી છે એવી ચાલુ કોલેજ જો નેક એક્રેડિએટ હશે તો જ મંજૂરી મળશે. એટલે કે હવે નેક પ્રમાણિત કોલેજ નહીં હોય તો નવા કોર્સની કે વિષયની પણ મંજૂરી નહીં મળે. નવી કોલેજની મંજૂરી માટે પણ હવે કડક નિયમો કરી દીધા છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએથી જ નવી કોલેજોને મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હવે નવા સ્ટેચ્યુટની જોગવાઈ પ્રમાણે બોર્ડ ઓફ ડીનમાં નવી કોલેજની પ્રપોઝલ મુકાશે, ત્યારબાદ સરકારમાં લેટર ઓફ ઇન્ટેન્ટ માટે રજૂ કરવામાં આવશે. સરકારમાંથી લેટર ઓફ ઇન્ટેન્ટ આવે ત્યારબાદ જ તે કોલેજના જોડાણની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે નવી કોલેજોને મંજૂરી આપવાની સત્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં પરંતુ સરકારની રહેશે. યુનિવર્સિટીએ માત્ર સ્ક્રૂટિની કરીને સરકારને મોકલશે.