તંત્ર અગરિયાઓને ટેન્કર થકી પીવાનું પાણી પૂરું પાડતા હોવાના દાવા પોકળ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય પાંચ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં ફેલાયેલા કચ્છના નાના રણમાં મીઠું પકવવાનો પરંપરાગત વ્યવસાય કરતા અગરિયાઓ દર વર્ષના આઠેક મહિના પોતાના પરિવાર સાથે રણમાં ગુજારે છે. રણ મધ્યે મીઠું પકવતા અગરિયાઓ સિઝન ચોમાસું પૂર્ણ થયા બાદ શરૂ થાય છે અને બીજા વર્ષનું ચોમાસુ શરૂ થાય તે પૂર્વે પૂર્ણ થાય છે આ આઠ મહિનાના સમયમાં શિયાળો અને ઉનાળાના ધોમધખતા તાપમાનમાં અગરિયા અને તેના પરિવારો રણમાં માત્ર એક ઝૂંપડા સહારે પોતાની આખોય સિઝન પૂર્ણ કરે છે. ખાસ કરિબે ઉનાળામાં જ્યારે લોકો પોતાના ઘરમાં ગરમી અને ઉકળાટ અનુભવે છે તેવા સમયે 45 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે કાળી મજૂરી કરતા અગરિયાઓને પીવાનું પાણી પણ નશીબ થતું નથી. સરકારી તંત્ર રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે ટેન્કર દ્વારા પીવાનું પાણી મોકલતા હોવાની વાતો કરે છે પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક જુદી છે.
- Advertisement -
જેમાં પાણી પુરવઠા વિભાગ દર વર્ષે અગરિયાઓને પીવાનું પાણી મળી રહે તે માટે કોન્ટ્રાક્ટ આપે છે જેમાં કોન્ટેક્ટરે ટેન્કર મારફતે દર અઠવાડિયે અથવા વધુમાં વધુ દસ દિવસે રણમાં વસવાટ કરતા દરેક અગરિયાઓના ઝૂંપડા સુધી પાણી પહોંચાડવાનું કામ કરવાનું રહે છે પરંતુ આ કોન્ટ્રાક્ટ અને પાણી પહોંચવાનું કામ માત્રને માત્ર સરકારી છોડે જ હોય તેવું સામે આવ્યું છે દર વર્ષે લાખો રૂપિયાના બિલો લઈ પાણી પુરવઠા વિભાગના અધિકારી તથા કર્મચારીઓ સાથે કોન્ટ્રાકટર વહીવટ કરે છે અને આ તરફ અગરિયાઓને મંદ પંદર દિવસે એકાદ વખત પીવાનું પાણી મળી છે. જ્યારે અગરિયા પરિવાર વારંવાર પાણી માટે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓને જાણ કરે છે પરંતુ અધિકારી અને કર્મચારી પોતે એસી ઓફિસમાં બેઠા હોવાથી અગરિયા પરિવારો તરસ્યા હોવાની વ્યથા સજતી નથી. ત્યારે આ મીઠું પકવવાનો વ્યવસાય કરતા અગરિયાઓ એટલા શિક્ષિત નથી કે તેઓને ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની સમજણ હોય અને આ બાબતનો ફાયદો સ્થાનિક લૂરવઠા વિભાગના અધિકારીઓ લઈ રહ્યા છે. આ તરફ પીવાના પાણી માટે વલખા માટે અગરિયા પરિવારોના નાના બાળકો પણ સવારે ઊઠીને રણમાં પીવાના પાણીની શોધમાં નીકળી જતા હોય છે જેથી આ વ્યથા પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમજે અને અગરિયાઓને સમયાંતરે પાણીની સગવડ થાય તેવી કચ્છના નાના રણમાં વસવાટ કરતા અગરિયા પરિવારોની માંગ ઉઠવા પામી છે.