મામલતદાર અને માર્ગ મકાન વિભાગ પોતાની હદ નક્કી નથી કરી શકતા ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર રોડ ટચ કિંમતી સરકારી જમીનને પચાવી પાડવાનું ષડયંત્ર રચાયું હતું જેમાં હાઇવે પર રહેલી જમીનને પૂર્વ સરપંચ અને તલાટી દ્વારા ગામતળ દર્શાવી આખેઆખું કૌભાંડ પર પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ સોનાની લગડી માફક સરકારી જમીનને હડપ કરી તેના ઉપર ગેરકાયદેસર દુકાનો પણ બનાવી નાખવામાં આવી છે અને દુકાનોની પાછળ મોબાઈલ ટાવર નાખવી દર મહિને મોટું તગડું ભાડું પણ વસૂલાય છે. જે અંગે “ખાસ ખબર”માં અહેવાલ પ્રસિધ્ધ થતા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીન પર ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામ મામલે તપાસના આદેશ આપ્યા હતા અને મામલતદાર દ્વારા નોટિસ આપી જમીન અંગે પુરાવા માંગ્યા હતા. જેને લઇ ગેરકાયદેસર દુકાનો ઉભી કરનાર ભૂમાફિયા દ્વારા દસ્તાવેજ રજૂ કરાયો હતો. જેને લઇ સરકારી જમીનને પચાવી પાડવાનું આખેઆખું ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું. જેમાં તત્કાલીન મહિલા તલાટી દ્વારા હાઇવે ટચની સરકારી જમીનને ગામતળ દર્શાવી આકારણી કરી પૂર્વ સરપંચે આ જમીનનો દસ્તાવેજ ઊભો કરી લીધો હતો.
ત્યારે હાલ ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા સરકારી જમીન પર દબાણ હટાવવાને બદલે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રાષ્ટ્રીય ધોરીમાર્ગના નાયબ કાર્યપાલક ઇજનેરને હાઇવેથી નજીક દબાણ હોવાના લીધે માર્ગ મકાન વિભાગને દબાણ હટાવવા માટે પત્ર લખ્યો હતો આ તરફ માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની બંને સાઈડમાં માત્ર ત્રીસ મીટર આવતી જમીન માર્ગ મકાન વિભાગની હોવાથી આ રેવન્યુ વિભાગે દબાણ હટાવવાનું જણાવ્યું હતું એટલે કે મામલતદાર અને માર્ગ મકાન વિભાગ દબાણ હટાવવા અને કામગીરી કરવા કરતા એક બીજા પર કામગીરી કરવાનો ટોપલો ઢોળી રહ્યા છે. જેથી સ્પષ્ટ રીતે એક પણ વિભાગના કર્મચારીને દબાણ હટાવવામાં રસ નહીં હોવાનું જણાઈ આવે છે.