રહેણાક હેતુ પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ પૂર્ણ થયા બાદ તંત્ર જાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલા રહેણાક હેતુ પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ મામલે ખાસ ખબર દ્વારા અનેક અહેવાલો બાદ અંતે તંત્ર જાગ્યું હતું અને પાર્ટીપ્લોટનું મોટાભાગનું બાંધકામ પૂર્ણ થયા બાદ હવે તંત્ર દ્વારા બાંધકામ અટકાવી તીર માર્યું છે. જેમાં ધ્રાંગધ્રા હળવદ રોડ પર સર્વે નંબર 1163 વાળી જમીનને બિનખેતી કરી તેમાં રહેણાક પ્લોટ પડવામાં આવ્યા હતા. સમય જતા કેટલાક પ્લોટ વેચાણ થયા બાદ પ્લોટના માલિક મનસુખભાઇ પટેલ દ્વારા પોતાના પ્લોટને ભાડે આપી પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરાયું હતું. જે બાદ અહીં રહેણાક પ્લોટમાં પાર્ટી પ્લોટનું એટલે કે કોમર્શિયલ બાંધકામ શરૂ કરી દીધું હતું જેમાં એક હોલ, રસોડું સહિતની બાંધકામ પૂર્ણ થયું હતું પરંતુ રહેણાક હેતુ બિનખેતી કરેલ પ્લોટ પર પાર્ટી પ્લોટની બાંધકામ થતા હેતુફેર થયો હોવાનું સામે આવતા “ખાસ ખબર” દ્વારા આ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો.
- Advertisement -
જે બાદ તંત્ર પ્લોટ માલિક દ્વારા હેતુ ફેર કરવા માટે અનેક પ્રકારના ધમપછાડા અને રાજકીય પીન લગાવી હતી પરંતુ બાંધકામ કરેલ પ્લોટ પર કોઈપણ કાળે કોર્મશિયલ હુકમ થાય તેમ નહીં હોવા લીધે અંતે ખોટી અફવા ફેલાવી તંત્રને પણ અવળે રવાડે ચડાવ્યા હતા. આ તરફ પાર્ટીપ્લોટના બાંધકામનો કેટલોક ભાગ પાસે રહેલા નિવૃત પીએસઆઇના માલિકીના પ્લોટમાં હોવાને લીધે માલિક અને ભાડુઆત બંને ઊભા ભરાયા હતા. જેમાં નિવૃત પીએસઆઇ સાથે અનેક બેઠકો બાદ પણ પ્લોટ વેચાણથી રાખવા માટેની યોજના કામ આવી ન હતી. હવે પ્લોટ માલિક દ્વારા ભાડૂઆતોને પ્લોટના કોઈ હેતુ અંગે ખુલાસા વગર અંધારામાં રાખી આશરે વીસેક લાખ રૂપિયાનું બાંધકામ કરાવડાવી ખર્ચના ખાડામાં ઉતરી દીધા હતા જોકે હવે પ્લોટ માલિક અને પાર્ટીપ્લોટ બનાવનાર ભાડુઆતો વચ્ચે આંતરિક મતભેદો શરૂ થયા છે પરંતુ આ તમામ વચ્ચે તંત્ર દ્વારા પાર્ટીપ્લોટનું પૂર્ણ રૂપે બાંધકામ થયા બાદ હવે બાંધકામ અટકાવ્યું હોવાનું જાહેર કરી મોટું તીર માર્યું હોય તેમ વાહવાહી લૂંટવાના પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં હજુય પાર્ટી પ્લોટની રહેણાક હેતુ જમીનને કોમર્શિયલ હેતુ ફેરફાર કરવા માટે છાના ખૂણે પ્રયાસો અને વહીવટનો ખેલ પડે ત્યારબાદ અચાનક રહેણાક હેતુમાંથી કોમર્શિયલનો હુકમ થાય તોય નવાઈ નહીં. તેવામાં હવે જોવાનું રહે છે કે સામાન્ય લોકોને નિયમો દર્શાવતા તંત્ર પાર્ટી પ્લોટના બાંધકામ બાદ પણ ક્યાં નિયમના આધારે હેતુફેર કરવામાં સફળ રહે છે ?