અગાઉ પોલીસની 100 કલાકની કામગીરી દરમિયાન ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
પાટડી તાલુકાના ખેરવા ગામે સરકારી જમીનમાં કરેલા ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા ફરી તોડી પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અગાઉ પોલીસની 100 કલાકની કામગીરી દરમિયાન અસામાજિક તત્વોનું ગેરકાયદે બાંધકામ તોડી પડ્યું હતું. જેમાં ગામના જ ઉપસરપંચનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેમ છતાં ખેરવા ગામના ઉપસરપંચ ઇનાયતખાન મલેક દ્વારા ફરિવાર ખેરવા ગામમાં સરકારી જમીનમાં બાંધકામ કરવામાં આવતા સરપંચ જીગ્નેશભાઈ રાઠોડ દ્વારા ટીડીઓ અને મામલતદાર સહિતના લાગતા વળગતા તંત્રને લેખિત અરજી કરી હતી. જેમાં ખેરવા ગામના સરપંચ જીગ્નેશ રાઠોડની અરજીના આધારે તંત્ર દ્વારા ફરી બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં પાટડી મામલતદાર, ટીડીઓ અને પોલીસ સહિતની ટીમ દ્વારા અસામાજિક તત્વો સામે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ઉપ સરપંચ ઇનાયતખાન મલેક દ્વારા કોર્ટમાં દાવો રજૂ કર્યાનો કાગળ રજૂ કરવા છતાં તંત્ર દ્વારા આ પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યારે આ દબાણ હટાવ ઝુંબેશ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.