મંત્રી ભાનુબેન બાબરીયા ધ્વજ વંદન સાથે પરેડ નિરીક્ષણ અને વૃક્ષા રોપણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ગરીમામય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી, ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરવાની સાથે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ જૂનાગઢના જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જૂનાગઢના બિલખા રોડ ખાતે પોલીસ તાલીમ વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ 77માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી, દેશ માટે બલિદાન આપનાર નામી અનામી શહીદોને યાદ કરી, પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું કે, આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા છે તેના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવની આપણે ગૌરવ સાથે ઉજવણી કરી રહ્યા છે.
- Advertisement -
મેરી માટી, મેરા દેશ અભિયાન અને હર ઘર તિરંગાના રાષ્ટ્ર મંત્ર સાથે દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે. ત્યારે તેમણે જૂનાગઢની ધરતી પરથી જિલ્લાના પ્રજાજનોને આ અભિયાનને સફળ બનાવવા માટે અભિનંદન આપ્યા હતા.15મી ઓગસ્ટનો દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ દિવસે ભારતને 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો. જેમાં ઘણા સ્વાતંત્ર સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વ્હાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.