ભારતે બુધવારે ઓડિશાના દરિયા કિનારા નજીક ઈન્ડિયન એરફોર્સના સુ-30 (એસયુ-30) ફાઈટર જેટમાંથી રુદ્ર એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રુદ્રએમ-2 મિસાઈલ ફ્લાઈટ ટેસ્ટિંગના બધા જ પ્રાયોગિક માપદંડમાં સફળ થઈ હતી.
- Advertisement -
રુદ્ર એમ-2 સંપૂર્ણ રીતે સ્વદેશી વિકસિત સોલીડ પ્રોપેલ્ડ એર લોન્ચડ મિસાઈલ સિસ્ટમ છે અને તે કેટલાક પ્રકારના દુશ્મનના લક્ષ્યાંકોને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ની વિવિધ પ્રયોગશાળામાં વિકસિત કરવામાં આવેલી વિવિધ અત્યાધુનિક અને ઉત્તમ ટેકનોલોજીને આ મિસાઈલમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
ઓડિશાના સમુદ્ર કિનારા નજીક ડીઆરડીઓએ રુદ્રએમ-2 એર-ટુ-સરફેસ મિસાઈલનું ઈન્ડિયન એરફોર્સના સુ-30 એમકે-1 પ્લેટફોર્મ પરથી 29 મેના રોજ સવારે 11.30 વાગ્યે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, એમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું. ફ્લાઈટ ટેસ્ટમાં પ્રયોગના બધા જ લક્ષ્યાંકો સાધ્ય થયા હતા. પરીક્ષણ વખતે મિસાઈલના પ્રોપલ્સન સિસ્ટમ, ક્ધટ્રોલ એન્ડ ગાઈડન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
મંત્રાલયે કહ્યું હતું કે ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ, રડાર અને ઓન-બોર્ડ જહાજ સહિત વિવિધ સ્થળે ગોઠવાયેલા ટેલીમેટ્રી સ્ટેશનો જેવા રેન્જ ટ્રેકિંગ ઉપકરણો દ્વારા પકડવામાં આવેલા ફ્લાઈટ ડાટાને આધારે મિસાઈલના દેખાવને માન્યતા આપવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ડીઆરડીઓ, આઈએએફ અને ઉદ્યોગોને રુદ્ર એમ-2ના સફળ પરીક્ષણ પર અભિનંદન આપ્યા હતા.