BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફીના ‘ચેમ્પિયન્સ’ માટે 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ BCCIએ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ કર્યો છે. BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફીના ‘ચેમ્પિયન્સ’ માટે 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને અજિત અગરકરની અધ્યક્ષતા વાળી સિલેક્શન સમિતિને મળશે. જોકે, બોર્ડે પોતાના નિવેદનમાં એ જાહેર નથી કર્યું કે કોને કેટલું ઈનામ મળશે.
- Advertisement -
ચેમ્પિયન્સ ટ્રોફીની જીત ભારતની મજબૂત ક્રિકેટ ઈકો-સિસ્ટમનો પુરાવો
BCCI અધ્યક્ષ રોજર બિન્નીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘સતત બે ICC ખિતાબ જીતવા એ ખૂબ જ ખાસ છે. આ ઈનામ વૈશ્વિક સ્તરે ટીમ ઈન્ડિયાની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠતા માટે છે.’ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સતત ચાર મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
બિન્નીએ કહ્યું કે, ‘ચેમ્પિયન્સ ટ્રોફીની જીત ભારતની મજબૂત ક્રિકેટ ઈકો-સિસ્ટમનો પુરાવો છે. 2025માં આ આપણો બીજો ICC ખિતાબ છે. ICC અંડર-19 મહિલા ટીમે પણ વર્લ્ડ કપ જીત્યો. આનાથી સાબિત થાય છે કે દેશમાં ક્રિકેટ ઈકો-સિસ્ટમ કેટલી મજબૂત છે. ભારતીય ટીમે ગત વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.’ BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે, ‘આ જીત સાબિત કરે છે કે ભારત મર્યાદિત બોલના ફોર્મેટમાં ટોચના રેન્કિંગ માટે હકદાર છે. વિશ્વ ક્રિકેટમાં ભારતનો દબદબો સખત મહેનત અને કુશળ રણનીતિનું પરિણામ છે.’
- Advertisement -
ભારતીય ક્રિકેટ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરતું રહેશે
તેમણે કહ્યું કે, ‘આ જીતથી સાબિત થાય છે કે ભારત મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ટોચના રેન્કિંગ માટે હકદાર છે અને અમને વિશ્વાસ છે કે ટીમ ભવિષ્યમાં પણ આવું જ પ્રદર્શન કરતી રહેશે. ખેલાડીઓએ જે પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે તેનાથી નવા ધોરણો સ્થાપિત થયા છે. અમને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરતું રહેશે.’
ICC ટૂર્નામેન્ટમાં દબાણ વચ્ચે ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘ભારતીય ખેલાડીઓએ ICC ટૂર્નામેન્ટમાં દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા દેશના ઉભરતા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ બનશે. ટીમે ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતીય ક્રિકેટ કૌશલ્ય, માનસિક મક્કમતા અને જીતવાની માનસિકતાના મજબૂત પાયા પર ઉભું છે.’
શાનદાર પ્રદર્શન રહ્યું
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સતત ચાર મેચ જીતીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે છ વિકેટની શાનદાર જીત સાથે પોતાના સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાન સામે છ વિકેટથી જીત મેળવી. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો. ભારતે અહીં 44 રનથી જીત મેળવી હતી. બાદમાં સેમિફાઈનલમાં તેણે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.