સ્ક્રેપ નહીં કરાવો તો વાહન જપ્ત થશે!
8 વર્ષ જૂનું વાહન RTO પકડશે તો સીધુ હરાજીમાં મોકલશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગના ચોપડે આઠ વર્ષથી વધુ જૂના 3,574 વાહનોનો ₹7.67 કરોડનો અધધ કરવેરો બાકી બોલી રહ્યો છે. આ રકમની વસૂલાત માટે તંત્ર હવે કડક વલણ અપનાવી રહ્યું છે. ’રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી’ (છટજઋ) યોજનાનો લાભ ન લેનાર અને બાકી વેરો ન ભરનાર વાહનચાલકો માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. જો 8 વર્ષ થઇ ગયા હોય અને ટેક્સ બાકી હોય વાહન માલિક પોતાનું વાહન સ્ક્રેપમાં આપશે
જો વાહન માલિકો આ નિયમોનું પાલન નહીં કરે અને જૂના વાહનો સ્ક્રેપ નહીં કરાવે તેમજ બાકી ટેક્સ નહીં ભરે, તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વાહનો પકડાયા બાદ તેની સીધી હરાજી કરી દેવામાં આવશે અને જો ટેક્સ નહીં ભરાય તો વાહન માલિકની મિલકત ઉપર પણ બોજો ચઢાવવામાં આવશે. આમ, સરકાર જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને દૂર કરવા માટે પ્રોત્સાહનો અને કડક પગલાં બંનેનો સમન્વય કરી રહી છે. તમારા જૂના વાહનોને સ્ક્રેપ કરાવીને આ યોજનાનો લાભ લેવા અને પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપવા માટે આ એક સુવર્ણ તક છે.
સ્ક્રેપ કરવાથી મળશે આર્થિક ફાયદા
ભંગારની કિંમત: તમારા વાહનની મૂળ એક્સ-શોરૂમ કિંમતના 4 થી 6 ટકા જેટલી રકમ ભંગારની કિંમત તરીકે સીધી તમારા બેંક ખાતામાં જમા થશે.
નવા વાહન પર ડિસ્કાઉન્ટ: સ્ક્રેપિંગ સેન્ટર દ્વારા ઇશ્યૂ કરવામાં આવતું ડિપોઝિટ સર્ટિફિકેટ બતાવીને નવું વાહન ખરીદવા પર ઓટોમોબાઈલ કંપનીઓ 5 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપશે.
રોડ ટેક્સમાં રાહત: નવા ખાનગી વાહનની ખરીદી પર 25 ટકા અને વાણિજ્યિક વાહનો પર 15 ટકાની રોડ ટેક્સમાં રાહત મળશે.
નોંધણી ફી માફ: નવા વાહનની નોંધણી ફી પણ સંપૂર્ણપણે માફ કરી દેવાશે.
- Advertisement -