‘હોરીવેન રિસોર્ટ્સ’નામ આપી 5 વર્ષના રોકાણ અને જમવાના પેકેજની લાલચ આપી ઠગાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
ટંકારાના એક તલાટી મંત્રી સાથે રિસોર્ટમાં રોકાણના પેકેજની લાલચ આપીને ₹50,000ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તલાટી મંત્રીએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ રાજકોટના અને હાલ ટંકારામાં રહેતા તલાટી મંત્રી રવિકુમાર કિશોરભાઈ ગોસાઈ એ અજાણ્યા મોબાઈલ નંબર અને બેંક ખાતાધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 09-02-2025 થી જુલાઈ 2025 સુધી આરોપીઓએ ‘HORIVEN RESORTS’ નામ આપીને એક લોભામણી સ્કીમ ઓફર કરી હતી. આ સ્કીમમાં ભારતમાં પાંચ વર્ષ સુધી કુલ 25 રાત્રી રોકાણ અને જમવાની સુવિધાવાળા હોટેલ/રિસોર્ટના પેકેજની લાલચ આપવામાં આવી હતી.
આ પેકેજના વિશ્વાસ પર, ફરિયાદી રવિકુમારે આરોપીઓના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં ₹50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ, આ રકમ ટ્રાન્સફર થયા બાદ પણ તેમને પેકેજની સુવિધાઓ મળી નહોતી અને તેમણે આપેલ રકમ આજદિન સુધી પરત મળી નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ટંકારા પોલીસે આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધીને, મોબાઈલ નંબર (6359157519, 9586600138, 18002680102) અને કોટક મહિન્દ્રા બેંક ખાતા નંબર (9349478327)ના ધારકો વિરુદ્ધ વધુ તપાસ ચલાવી રહી છે.