કાર્યબોજ, અપૂરતા સ્ટાફ અને ભંડોળ સહિતના મુદ્દે કંટાળીને રાજીનામું આપ્યાની ચર્ચા, જસદણના ચીફ ઑફિસરને વધારાનો હવાલો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર દિનેશભાઈ ડામોર મંગળવારે ઓચિંતા અને આકસ્મિક સંજોગોમાં ચૂપચાપ કચેરી છોડીને જતા રહ્યા હોવાની ચર્ચા આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વિકાસની વાતો વચ્ચે પણ પ્રજાને સુવિધાઓ પૂરી પાડવા માટે અપૂરતા સ્ટાફ, સાધનો, અપૂરતું ભંડોળ સહિતના અનેક પ્રશ્નો છેલ્લા ઘણા દિવસોથી ચીફ ઓફિસરને પરેશાન કરી રહ્યા હતા.
- Advertisement -
આખરે, કાર્યબોજથી કંટાળીને દિનેશભાઈ ડામોરે સોમવારે ચૂપચાપ પ્રાદેશિક કમિશનર સમક્ષ રૂબરૂ રાજીનામું ધરી દીધું હતું. મંગળવારે બપોર સુધી તેઓ કચેરીમાં બેઠા હતા અને બપોર બાદ કોઈને પણ કહ્યા વગર પોતાના વતન તરફ પ્રયાણ કરી ચૂક્યા હતા. જોકે, પ્રાદેશિક કમિશનરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને જસદણના ચીફ ઓફિસર મેહુલ જોધપરાને ટંકારાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
ટંકારા શહેરમાં મંગળવારે વાયુવેગે ફેલાયેલી ચર્ચા મુજબ, પાલિકા કચેરીનો સ્ટાફ પણ ચીફ ઓફિસરના રાજીનામાના ’બે દિવસના ડ્રામા’થી અજાણ હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીફ ઓફિસર દિનેશભાઈ ડામોર ગુપચુપ રીતે સોમવારે સવારે રાજીનામા પત્ર લખીને મોકલી દીધા બાદ મંગળવારે બપોરે રિસેસ બાદ ધીમેકથી કચેરી છોડી વતન રવાના થઈ ગયા હતા.
નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે, ડામોર છેલ્લા ઘણા દિવસોથી કાર્યબોજને કારણે સતત તણાવમાં રહેતા હતા. તેઓ એકદમ સરળ અને શાંત સ્વભાવના હોવા છતાં, દરરોજ નવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો. પાલિકા કક્ષાએ પ્રજાને સુખ-સુવિધાઓ આપી શકાય તેવા સાધનો, મશીનો, પાલિકાના ધોરણ મુજબનો સ્ટાફ, અપૂરતું ભંડોળ, ખર્ચ કરવાની સત્તાનો અભાવ સહિતના અનેક મુદ્દે તેઓ એકલપંડે લડી રહ્યા હતા, પરંતુ તેમને ઉચ્ચ કક્ષાએથી યોગ્ય દાદ મળી રહી નહોતી.
- Advertisement -
ઉપરથી, અગાઉ ગ્રામ પંચાયત હસ્તકના અને લાંબા સમયથી કાર્યરત (પેધી ગયેલા) કોન્ટ્રાક્ટ-આધારિત કર્મચારીઓ પર ઓફિસર તરીકે તેમની કોઈ લગામ ન હોવાથી કર્મચારીઓ તેમને ગણકારતા ન હતા. આ બધાથી કંટાળીને તેમણે રાજીનામું ધરી દીધું હતું. વહીવટ ચલાવવા માટે અમલદાર તરીકે અમુક નિર્ણયો સરકાર અને પ્રજાજનો બંનેનું હિત જળવાય તે રીતે વિવેકબુદ્ધિથી લેવાના હોય છે, પરંતુ નિર્ણય શક્તિના અભાવે નિવૃત્તિ બાદ પ્રવૃત્ત રહેવા સ્વીકારેલી આ નોકરી દિનેશભાઈ ડામોરે આખરે છોડવી પડી હતી.