બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર
હિંદુસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં 90ના દશકામાં તાલિબાનોનું રાજ ચાલતું હતું. પરંતુ 9/11ના હુમલા બાદ અમેરિકાએ જ્યારે ઓસામાને શોધવા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તાલિબાનની સલ્તનતને પણ ઉખાડીને ફેંકી દીધી હતી. છેલ્લા 20 વર્ષથી અમેરિકી સૈનિકો તાલિબાનને તબાહ કરવા માટે અફઘાનિસ્તાનમાં અડગ હતા. સમગ્ર વિશ્વ એમ વિચારતું હતું કે, ત્યાં અમેરિકાની ઉપસ્થિતિથી તાલિબાન તબાહ થઈ જશે પરંતુ અબજો ડોલર બરબાદ કરીને અને પોતાના હજારો સૈનિકોના મોત બાદ અમેરિકી સૈનિકો પાછા ફરી રહ્યા છે અને આ સાથે જ તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પાછા આવી રહ્યા છે. આતંકવાદીઓ માટે હવે કાબુલ પણ દૂર નથી. અત્યાર સુધીમાં દેશના 85 ટકા કરતા પણ વધારે હિસ્સા પર તાલિબાની ફાઈટર્સે પોતાનો કબજો જમાવી દીધો છે અને તેઓ સતત કોમ્બિંગ કરીને કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. હવે માત્ર 75 જિલ્લાઓમાં જ અફઘાનિસ્તાન સરકારનું નિયંત્રણ બચ્યું છે. હાલ પણ અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં બોમ્બમારો થઈ રહ્યો છે.