ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
તાલિબાને અફઘાનિસ્તાનમાં પોલિયો રસીકરણ અભિયાન પર પ્રતિબંધ મૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બરથી પોલિયો રસીકરણ અભિયાન શરૂ થવાનું હતું, પરંતુ તે પહેલાં તાલિબાને તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં સત્તાવાર માહિતી યુએનને પણ મોકલવામાં આવી છે. તાલિબાને આવું કરવા પાછળ કોઈ કારણ જણાવ્યું નથી. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પોલિયો રસીકરણ કરાવતાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના નિયમિત અહેવાલો આવે છે. આતંકવાદીઓ રસીકરણ ટીમો અને તેમની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને નિશાન બનાવે છે. કટ્ટરવાદીઓ ખોટો પ્રચાર કરે છે કે, પોલિયો રસીકરણ અભિયાન બાળકોને નસબંધી કરવાનું ષડયંત્ર છે, જેને પશ્ચિમી દેશો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.
- Advertisement -
એક ગેરસમજ ફેલાય છે કે આનાથી બાળકો નપુંસક બનશે અથવા તેમનાં શરીરમાં વિકૃતિઓ પેદા થશે.અફઘાનિસ્તાન વિશ્વનાં એવાં બે દેશોમાંનો એક છે જ્યાં પોલિયોનો ફેલાવો સંપૂર્ણપણે બંધ થયો નથી. બીજો દેશ પાકિસ્તાન છે. નાઈજીરિયાને વર્ષ 2020 માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. ભારતમાં પણ આ રોગને નાબૂદ કરવા માટે રસીકરણ અભિયાન દાયકાઓ સુધી ચાલ્યું આવે છે. ભારતમાં પોલિયો રસીકરણ અભિયાન 1972 માં શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ ચાર દાયકા પછી, 27 માર્ચ 2014 ના રોજ, દેશને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વર્ષે અફઘાનિસ્તાનમાં પોલિયોના 18 કેસની પુષ્ટિ કરી હતી. 2023માં આ આંકડો માત્ર 6 હતો. ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું હતું કે પોલિયો રસીકરણ અભિયાનમાં મહિલાઓની ભાગીદારી માત્ર 20 ટકાની આસપાસ છે.