જયપ્રકાશ ચૌક્સેના અનુભવોમાંથી ખૂલતાં કિસ્સાઓની મિજબાનીનો અંતિમ મણકો
શાહનામા
નરેશ શાહ
જોધપુરના હરણ-શિકાર કેસમાં એક જજે વ્યક્તિગત રીતે કહ્યું કે તેઓ જાણે છે કે સલમાન ખાન બેક્સુર છે પણ જો તેઓ આ વાત ધ્યાનમાં રાખીને ચૂકાદો આપે તો પક્ષ્ાપાતી ગણીને તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવે… એ ઘટનાનું જૂઠ એ છે કે રાતે બે વાગે સલમાને શિકાર ર્ક્યો, તે માટે રજૂ થયા પણ આ બધા રાતે બે વાગે જંગલમાં કરતાં શું હતા ? પોતાની જીવનકથામાં પત્રકાર-લેખક – ફિલ્મ વિતરક જયપ્રકાશ ચૌક્સેજીએ હાતિમતાઈ સલમાન ચેપ્ટરમાં આ વાત લખી છે. એ પણ લખ્યું છે કે, હજુ થોડા દિવસ પહેલાં સલમાન ખાને ચૌક્સેજી પાસે તેમની વાર્તાઓના સિનોપ્સીસ વેબ સિરિઝ બનાવવા માટે મંગાવ્યા હતા. ચૌક્સેજીએ નવ વાર્તાના સિનોપ્સીસ મોકલી આપ્યા પણ પછી સલમાન તરફથી કોઈ જવાબ ન આવ્યો. ચૌક્સેજી કહે છે : ‘સલમાન આવો જ છે. વે અપની હી અનદેખી કરતે હૈ.’
પંજાબના આતંક્વાદ પર બનેલી ગુલઝાર સાહેબની માચિસ ફિલ્મના ઈન્દોર-મધ્ય પ્રદેશના વિતરણના અધિકાર જયપ્રકાશ ચૌક્સેએ લીધા હતા. ફિલ્મના ફાઈનલ એડિટીંગમાં ગુલઝાર સાહેબે ચૌક્સેજીને કહ્યું : ‘મેરી ફિલ્મ પહેલે તીન દિન નહીં ચલતી…. ફીર માઉથ પબ્લિસિટી સે ચલતી હૈ.’ આ શબ્દો સાંભળીને ચૌક્સેજીએ ચેલેન્જ મારી કે, ‘માચિસ ઈન્દોરમાં પ્રથમ દિવસે હાઉસફૂલ ન થાય તો ફિલ્મ વિતરણનો વ્યવસાય હું છોડી દઈશ.’
- Advertisement -
સલમાન-પિતા સલીમ ખાન સાથે જયપ્રકાશ ચૌક્સેજીના સંબંધ કેવા ગાઢ છે, એ પરદે કે સામને પુસ્તક લખનારાં ડૉ. ૠતુ પાંડે શર્માની જ એક કેફિયત વાંચીને સમજી શકાય તેમ છે. ડૉ. ૠતુ આ પુસ્તક માટે સલીમ ખાનને મળવા તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગયા હતા. તેઓ લખે છે : ‘જો ખાન પરિવારને એક દેશ માની લઈએ તો ચૌક્સેજીનાં નામને વિઝા માનવામાં આવે છે. એ ઘરને તિલિસ્મી ગુફા ગણીએ તો જયપ્રકાશજીનું નામ ખુલ જા સીમ સીમ ના મંત્રથી કમ નથી.’
સલીમ ખાને કીધું કે ચૌક્સેજી કહે છે કે, તમારા પર પુસ્તક લખવાનો અધિકાર સૌથી વધુ મને છે. કારણકે તમને હું બહુ નજીકથી ઓળખું છું પણ મારું માનવું છે કે તમે બાયોગ્રાફી કદી ઈમાનદારીથી નથી લખી શક્તાં કારણકે સમાજમાં કેટલાંક લોકો એવા પણ હોય છે કે તેઓ ટેલેન્ટેડ તો ઘણાં હોય છે પણ તેમની ફિતરત (દાનત, વૃતિ, સોચ) એકદમ ઘટિયા હોય છે. ટેલેન્ટ કા તાલ્લુક ફિતરત સે બિલકુલ નહીં હોતા. આદતેં બદલી જા સક્તી હૈ, પર ફિતરત નહીં
છેલ્લાં પચ્ચીસ વરસથી દૈનિક ભાસ્કર (દિવ્ય ભાસ્કર સહિત) માં દરરોજ સિનેમાલક્ષી ચિંતનવાળી કોલમ પરદે કે પીછે લખતાં જયપ્રકાશ ચૌકલેજીની જીવનકથા પરદે કે સામને માં આવી તો અનેક અંતરંગ વાતો-કિસ્સા છે, જેના ત્રણ કિસ્સા આપણે ગત સપ્તાહમાં વાંચ્યા હતા.
ચોથા કિસ્સાથી હવે આગળ :
- Advertisement -
કિસ્સો ચોથો : શશી કપૂર, વોડકા અને બાથરૂમ :
શશી કપૂરની મુહાફિઝ (ઈન કસ્ટડી નામે ડીવીડી ઉપલબ્ધ છે) ફિલ્મનું શૂટીંગ ભોપાલમાં ચાલતું હતું ત્યારે શશી કપૂરને તેમની ફેવરિટ વોડકા ભોપાલમાં મળતી નહોતી. તેમણે જયપ્રકાશ ચૌક્સેજીને વાત કરી એટલે તેઓ વોડકા ઈન્દોરથી ભોપાલ લઈને જવા માંડયા. આવા જ એક દિવસે શશી કપૂરે કહ્યું કે, આજે મુખ્યમંત્રી અર્જુનસિંહના દીકરાએ તેમના બંગલે દાવત રાખી છે અને આપણે જવાનું છે. રાતે બન્ને અર્જુનસિંહની કેરવા કોઠી પર પહોંચ્યા. અર્જુનસિંહ તો હાજર નહોતા પણ એ દાવતની ભવ્યતા ચક્તિ કરી દે તેવી હતી. બાથરૂમ જઈને શશી કપૂર ચૌક્સેજી સાથે ડિનર ટેબલ પર ગોઠવાયાં. ડિનર પીરસાતું હતું ત્યારે તેમણે ચૌક્સેજી પાસે આગ્રહ રાખ્યો કે બાથરૂમ જઈ આવો પણ ચૌક્સેજી ન ગયા. ડિનર પછી શશી કપૂરે તેમને એક કોર્નરમાં લઈ જઈને આગ્રહ ર્ક્યો; તમે એક વખત બાથરૂમ જઈ આવો. જયપ્રકાશજી આવી વિચિત્ર ડિમાન્ડ પછી કમને બાથરૂમમાં ગયા પણ એ બાથરૂમની ભવ્યતા જોઈને તેઓ શશી કપૂરની જેમ આભા જ બની ગયા. શશી કપૂર હંમેશા કહેતાં કે, કોઈ વ્યક્તિ વિષે તમે એના ડ્રોઈંગ રૂમ પરથી અનુમાન ન માંડી શકો, પણ બાથરૂમ તમને મદદરૂપ અવશ્ય થઈ શકે છે.
કિસ્સો પાંચમો : ગુલઝાર, માચિસ અને ઈન્દોર :
પંજાબના આતંકવાદ પર બનેલી ગુલઝાર સાહેબની માચિસ ફિલ્મના ઈન્દોર-મધ્ય પ્રદેશના વિતરણના અધિકાર જયપ્રકાશ ચૌક્સેએ લીધા હતા. ફિલ્મના ફાઈનલ એડિટીંગમાં ગુલઝાર સાહેબે ચૌક્સેજીને કહ્યું : મેરી ફિલ્મ પહેલે તીન દિન નહીં ચલતી…. ફીર માઉથ પબ્લિસિટી સે ચલતી હૈ… આ શબ્દો સાંભળીને ચૌક્સેજીએ ચેલેન્જ મારી કે માચિસ ઈન્દોરમાં પ્રથમ દિવસે હાઉસફૂલ ન થાય તો ફિલ્મ વિતરણનો વ્યવસાય હું છોડી દઈશ.
‘તમે ફિલ્મ બનાવવામાં માહિર છો તો હું ડિસ્ટ્રીબ્યુશનમાં ઉસ્તાદ છું’; એમ કહ્યા પછી ચૌક્સેજી કામે લાગી ગયા. ફિલ્મ પંજાબ બેઈઝ હોવાથી તેમણે પંજાબી-હિન્દીમાં હેન્ડબીલ છપાવ્યા અને જાતે સરદારજી- પંજાબીઓના-ઈલાકામાં વિતરણ કરવા નીકળ્યા. શીખોની બે સ્કૂલોમાં જઈને ફિલ્મ વિષે સમજણ આપી. માચિસ પર નિબંધ સ્પર્ધા યોજીને પાંચ હજાર રૂપિયાના ઈનામની એનાઉન્સમેન્ટ કરી. હવે થયું એવું કે પ્રથમ દિવસે ગુલઝારસાહેબ ઈન્દોરના રિગલ થિયેટર પર આવ્યા તો હજારો લોકો ઉભા હતા. હાઉસફૂલનું બોર્ડ લાગેલું હતું.
માચિસ ફિલ્મે સિલ્વર જયુબિલી કરી ત્યારે એવોર્ડ ફંકશનમાં ગુલઝારસાહેબ બોલ્યા કે સામાન્ય રીતે એવોર્ડ હિરો-હિરોઈનને પહેલાં અપાતા હોય છે અને સૌથી છેલ્લે ડિસ્ટ્રીબ્યુટરને ટ્રોફી આપવામાં આવે છે પણ આજે ટ્રોફી જયપ્રકાશ ચૌક્સેજીને પ્રથમ અપાશે કારણકે એમણે કરેલી પબ્લિસીટીની થીમ પર જ ભારતભરમાં માચિસ હીટ રહી છે.
કિસ્સો છઠ્ઠો : રાજકપૂર, મેરા નામ જોકર અને રિ-રિલિઝ :
પરદે કે સામને પુસ્તકમાં રણધીર કપૂરે જયપ્રકાશ ચૌક્સેને રાજકપૂરના હનુમાન ગણાવ્યા છે, તેના પરથી તેમની આત્મીયતાનો અંદાઝ લગાવી શકાય. રાજકપૂરે બનાવેલી ચાર કલાક લાંબી મેરા નામ જોકર સદંતર ફલોપ ગયેલી. એ વખતે પણ તેમને ફિલ્મ ટૂંકાવવાની સલાહ મળેલી પણ રાજકપૂરે તેને ગણકારી નહોતી. ચૌક્સેજીના રાજકપૂર સાથે એવા અંગત સંબંધ કે લગભગ પંદર વરસ પછી તેમણે એકાદ કલાકની ફિલ્મ ટૂંકાવીને રાજકપૂરને જોવાની વિનંતી કરી. રાજકપૂરે એડિટેડ મેરા નામ જોકર જોઈ પણ કોઈ ઉત્સાહ ન બતાવ્યો પણ ચૌક્સેજીએ મેરા નામ જોકરનું એ એડિટેડ વર્ઝન (ત્રણ કલાક્વાળું) ધામધૂમથી ઈન્દોરમાં રિલિઝ ર્ક્યું અને ત્યારે એ થિયેટરમાં બાર સપ્તાહ ચાલ્યું હતું.
પ્રેમ રોગ વખતની વાત છે. રાજકપૂર પોતાના ડિસ્ટ્રીબ્યુટરને કાચી ફિલ્મ દેખાડવામાં સંકોચ ન રાખતાં પણ પ્રેમ રોગ ના અમુક રિલ જોઈને ડિસ્ટ્રીબ્યુટરો દૂર ખસી ગયા. તેમનું કહેવું હતું કે સફેદ સાડીમાં જ રહેતી વિધવા હિરોઈનવાળી આ ફિલ્મ લોકો સ્વીકારશે નહીં. રાજકપૂર ટેન્શનમાં આવી ગયા ત્યારે ચૌક્સેજીએ ખાત્રીપૂર્વક ફિલ્મના વિતરણ-રાઈટસ ખરીદીને એડવાન્સમાં પાંચ લાખનો ચેક રાજકપૂરને આપી દીધો હતો. પ્રેમ રોગ સુપરહિટ રહી પણ પછીની ફિલ્મના વિતરણ હક્કો તેમણે જયપ્રકાશ ચૌક્સેને જ આપેલાં કારણકે પ્રેમરોગ વખતે માત્ર તેમણે જ સાથ આપ્યો હતો.