અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયરસેફટી છે કે નહીં? અને છે તો માત્ર દેખાવની તો નથીને? રોહિતસિંહ રાજપૂત દ્વારા તપાસ કરવા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
માનવહૃદય કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 30થી વધુ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તો અનેક લોકો હજુ મિસિંગ છે ત્યારે સવાલ ઉભો થાય છે અમુક બેજવાબદાર, નપાવટ અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે નિર્દોષ લોકો જીવન ક્યાં સુધી ગુમાવતા રહેશે? ભૂતકાળમાં બનેલી ગોઝારી ઘટનાઓમાંથી સરકાર અને વહિવટી તંત્રએ બોધપાઠ લીધો હોત તો કદાચ આ ઘટના ન બની હોત પરંતુ હવે રાજ્યમાં હવે આ એક સિલસિલો બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તે શરમજનક છે. ત્યારે રાજકોટમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયરસેફટી છે જ નહીં તો અમુક સ્કૂલોમાં માત્ર દેખાવ પૂરતી છે પરંતુ વાસ્તવમાં સિસ્ટમ સાવ બંધ જ હોય એટલે કે કોઈ આકસ્મિક ઘટના બને તો મોટી જાનહાની થવાની દહેશત છે ત્યારે આપની કક્ષાએથી રાજકોટની તમામ સ્કૂલો, ક્લાસીસો, પ્રિસ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ અંગેનો તાકીદે અહેવાલ જરૂરી આધારરૂપ દસ્તાવેજો મંગાવીને બાળકોની જાનમાલની સુરક્ષા બાબતે કડકાઈ દાખવવા રોહિતસિંહ રાજપૂત દ્વારા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટની અનેક સ્કૂલોમાં મોતના માંચડા સમાન ગેરકાયદેસર અને કાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે જે ડોમમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે જગ્યાઓ પર ફાયરસેફ્ટીના નામે મીંડુ છે. અનેક સ્કૂલો, ક્લાસીસ સંચાલકોએ મહાનગરપાલિકામાં ઈમ્પેક્ટ ડ્યુટી ભરીને વિદ્યાર્થીના જીવ પર જોખમી બને તેવું પ્લાસ્ટિકનું ડોમ ઉપર કાચું બાંધકામ ઉભુ કરી દીધુ છે જે અત્યંત ભયજનક છે. શિક્ષણ અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરમાંથી બહાર ફિલ્ડ પર નીકળવા આપની કક્ષાએથી સૂચનાઓ આપવી જોઈએ અને વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવે તેવા આદેશ આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ વતી માંગ કરી છે. વધુમાં રાજકોટમાં કેટલી સ્કૂલો પાસે ફાયરસેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ છે તે માહિતી, ગેરકાયદે અને કાયદેસર પ્લાસ્ટિકના ડોમ (તે જોખમી છે કે નહીં તેનો શિક્ષણ અધિકારીનો અભિપ્રાય) ફાયર એનઓસી રિન્યુ કેટલી સ્કૂલોને બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ રાજકોટના વિદ્યાર્થીઓ માટે મિડીયામાં જાહેર કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના વાલીઓને ખ્યાલ પડે કે તેઓનો બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં મારા બાળકની જાનમાલની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે? આ તમામ બાબતોની ગંભીરતા સમજી રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોની જવાબદાર પ્રતિનિધિ તરીકે તાકીદે જરૂરી પગલાંઓ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.