ચોટીલા નાયબ કલેકટરના દરોડામાં નિયમોના ધજાગરા ઉડતા હોવાનું ખુલ્યું: 600 મેટ્રિક ટન કોલસો, હિટાચી મશીન અને વજન કાંટો કબજે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરાવાળી ગામમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કોલસાની લીઝો પર ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ઓચિંતો દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ દરમિયાન સરકારી નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ ₹1,36,40,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરી પાંચ લીઝોને સીલ કરી દેવામાં આવી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ખાખરાવાળી વિસ્તારમાં કાર્યરત આશીક મુલતાની, હસમુખ સચદેવ, ગભરુભાઈ ખાચર, વિજયભાઈ ખાચર અને મુમતાઝબેન કલાડીયાની લીઝમાં સરકારના કોઈ પણ પરિપત્રો કે કાયદાઓનું પાલન થતું નહોતું. લીઝવાળી જગ્યામાં હદ નિશાનનો અભાવ હતો, તેમજ વિસ્ફોટક પદાર્થો કે કોલસાના સ્ટોક અંગેનું કોઈ જ રજિસ્ટર નિભાવવામાં આવતું નહોતું. મજૂરોની સુરક્ષા માટેની શૂન્ય સુવિધાઓ અને વાહનોની ટઝખજ નોંધણી વગર જ કામગીરી ચાલતી હતી.
મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત: તંત્રએ કાર્યવાહી દરમિયાન 600 મેટ્રિક ટન કોલસો, એક હિટાચી મશીન અને વજન કાંટો કબજે કર્યો છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મંજૂર થયેલા લીઝ વિસ્તારની માપણી કરી કેટલી રોયલ્ટીની ચોરી થઈ છે તે અંગે તપાસ તેજ કરી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.



