અર્થામૃત
આ ત્રણ જો ભય અથવા કોઈ લાભની આશાને લીધે હિતની વાત ન કહીને કેવળ પ્રિય બોલે; તો રાજ્ય, શરીર અને ધર્મનો જલ્દી નાશ થાય છે
- Advertisement -
કથામૃત:
એકવાર શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસ તિર્થાટન માટે નીકળેલા. થાક ઉતારવા માટે તેઓ એક ઝાડના છાંયડે બેઠા. થાકના કારણે થોડા જ સમયમાં એમને ઊંઘ આવી ગઈ. બધાં શિષ્યોને ખૂબ જ ભૂખ લાગી હતી, આથી ગુરુને ઊંઘતા જોઈને તે પૈકીના કેટલાક ખોરાક શોધવા માટે નીકળ્યા. થોડે દૂર એક ખેતરમાં શેરડી વાવેલી હતી. તેઓ બધાં આ ખેતરમાં ગયાં અને શેરડી કાપીને ખાવા લાગ્યા. ખેતરનો માલિક આવ્યો એટલે બધાં ભાગીને સ્વામી રામદાસ પાસે આવીને બેસી ગયાં. જ્યારે ખેડૂત સ્વામી રામદાસ પાસે પહોંચ્યો તો સ્વામીજીને જોઈને જ એ સમજી ગયો કે આ બધાં બાવાઓનો ગુરુ આ જ છે. એ સ્વામી રામદાસને ઓળખતો નહોતો. આથી ગુસ્સામાં આવીને એણે સ્વામી રામદાસને એક તમાચો મારી દીધો.
સ્વામીજીના શિષ્યો ખેડૂતને મારવા ઊભા થયા એટલે સ્વામીજીએ એમને અટકાવ્યા અને પેલા ખેડૂતને પૂછ્યું, ભાઈ, મેં તો તારું કંઈ જ નથી બગાડ્યું, તો પછી તે મને શા માટે તમાચો માર્યો ? પેલા ખેડૂતે બધી વાત કરી એટલે સ્વામી રામદાસનું મસ્તક શરમથી ઝૂકી ગયું. એણે ખેડૂતની માફી માંગી તથા તેની શેરડીનું મૂલ્ય ચૂકવી આપવાનું વચન આપ્યું. ખેડૂત ત્યાંથી રવાના થયો. ગુરુજીના ગાલ પર તમાચો પડવાથી બધાં શિષ્યો અત્યંત ક્રોધિત હતાં. એકે તો કહ્યું, ગુરુજી, આપે અમને કેમ અટકાવ્યા? એણે આપના ગાલ પર તમાચો માર્યો. આપનું આ અપમાન અમારાથી કેમ સહન થાય ? સ્વામી રામદાસે કહ્યું, મારા ગાલ પર કોઈ તમાચો મારે તો તેની તમને બહુ પીડા થાય છે; પણ સ્વામી રામદાસના શિષ્ય થઈને કોઈના ખેતરમાંથી માલિકને પૂછ્યા વગર શેરડીની ચોરી કરતી વખતે પીડા કેમ નહોતી થઈ ? ત્યારે એવો વિચાર કેમ ન આવ્યો કે અમે સમર્થના શિષ્યો છીએ. અમારી આ હરકતથી સમર્થનું નાક કપાશે અને અપમાન થશે.
બોધામૃત
કોઈ ધર્મ કે ધર્મગુરુ સાથે સંકળાયેલા આપણે સૌ એ ધર્મ કે ધર્મગુરુ વિષે કોઈ ઘસાતું બોલે, ત્યારે સ્વામી રામદાસના શિષ્યોની જેમ જ ઘસાતું બોલનારને મારવા તૈયાર થઈ જઈએ છીએ. પણ સામેવાળી વ્યક્તિ ધર્મ કે ગુરુ વિષે ઘસાતું બોલે છે, એ માટે ક્યાંક હું કે મારો કોઈ સહઅનુયાયી તો જવાબદાર નથીને ? -આવો વિચાર આપણામાંથી કેટલાને આવે છે ?