અન્ય શહેરોમાં તપાસ અર્થે લઈ જવા ક્રાઇમ બ્રાન્ચ વધુ રિમાન્ડ માંગશે
ખાસ-ખબર સંવાદદાતા
ખેડા સીરપ કાંડના આરોપીઓનો કબ્જો રાજકોટ ક્રાઈમ બ્રાંચે 73 લાખના સિરપ પ્રકરણમાં લીધો છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે 73 લાખનું સીરપ પકડ્યું હતું. જેમાં વડોદરાના મુખ્ય સૂત્રધાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીના નામ ખુલ્યા હતા. ખેડામાં નશીલી સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હતા. ત્યાં પોલીસે આ કાંડના મુખ્ય સૂત્રધાર નીતિન અજીત કોટવાણી અને ભાવેશ જેઠાલાલ સેવકાણીની ધરપકડ કરી હતી. આ તરફ રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે પાંચ ટ્રક ભરેલ 73 હજાર બોટલ સીરપનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની સંડોવણી ખુલી હતી. જે-તે વખતે પીઆઈ બી.ટી. ગોહિલની ટીમ તપાસમાં લાગી હતી. જેમાં નીતિનની મહારાષ્ટ્રના નંદુરબારમાં આવેલી ફેકટરી અને ભીવંડીમાં આવેલું ગોડાઉન સીલ કરી દીધું હતું. અત્યાર સુધીમાં દસેક આરોપીઓની ધરપકડ થઈ હતી. ત્યારે જ ખેડામાં સીરપ કાંડની ઘટના બનતા નીતિન અને ભાવિન ઝડપાઇ ગયા હતા. જ્યાંથી ટ્રાન્સફર વોરન્ટથી બંન્નેનો કબ્જો રાજકોટ ક્રાઈમ બ્રાંચે લીધો છે. અને બે દિવસના રિમાન્ડ મળતા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. ₹
પ્રાથમિક તપાસમાં નીતિન બીએસસીની ડિગ્રી મેળવી નોન આલ્કોહોલિક બીયરનો વેપલો કરતો હોવાનું અને 2018માં પકડાઈ ગયા બાદ આયુર્વેદના નામે સિરપ બનાવી વેચાણ કરવાનો પ્લાન બનાવી જુદી જુદી ફ્લેવર પાણીમાં ભેળવી તેમ ઇથેનોલ ઉમેરી સિરપ બનાવી વેચવાનું ચાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે અન્ય શહેરોમાં તપાસ અર્થે લઈ જવા પોલીસે વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે.