ટ્રેક્ટર, ડમ્પર કોલસાના જથ્થા સહિત 2.87 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
- Advertisement -
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના 16 કૂવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. ટીમે કુલ રૂ. 2,87,30,000 (બે કરોડ સિત્યાસી લાખ ત્રીસ હજાર)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 16 બકેટ, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન અને 1 જનરેટરનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન કોલસાના કૂવામાંથી 16 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, જપ્ત કરાયેલા વાહનોના માલિકોને ઓળખવાની કામગીરી ચાલી રહી છે, અને ઓળખ થયા બાદ તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરાશે.
ગેરકાયદેસર કોલસાનું ખોદકામ કરનારા ઈસમોમાં હળવદના ચૂપની ગામના રઘુભાઈ કોળી પટેલ, થાનગઢના સરસાણા ગામના મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ, મુળીના રાણીપાટ ગામના રઘાભાઈ કોળી પટેલ, વાંકાનેરના ગાંજીયાવદર ગામના દિનેશભાઈ કાંજિયા (ધોરિયા), થાનગઢના કાનાભાઈ ચંદનભાઈ દરબાર અને મુળીના ભેટ ગામના મનસુખભાઈ કોળી પટેલનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ ઈસમો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ કરાશે. આજુબાજુના વિસ્તારમાંથી 27 પરપ્રાંતીય મજૂરો (મધ્યપ્રદેશ અને રાજસ્થાનના) ને આવી જોખમી કામગીરી ન કરવા સમજાવીને રવાના કરવામાં આવ્યા હતા.



