ફોલ્ટની ફરિયાદ કરતાં કર્મીએ ફોન સાઈડમાં મૂકી દીધો : દર પાંચ-દસ દિવસે સર્જાતી સમસ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
- Advertisement -
શહેરના અનેક વિસ્તારોમાં સોમવારની રાત્રે એકાએક લાઇટો બંધ થઇ ગઇ હતી. આથી જુદા જુદા વિસ્તારોના લોકો રોષ સાથે પીજીવીસીએલની કચેરીએ દોડી જઇને હલ્લાબોલ કર્યો હતો. ફોલ્ટ ન પકડાતો હોય, લાઇટો ચાલુ ન કરી શકતા હોય તો કચેરીને તાળા મારી દો સાથે લોકોએ સૂત્રોચ્ચારો કર્યા હતા. હાલ ગરમીના કારણે દિવસે તો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોમાં રાત્રિના સમયે વારંવાર લાઇટો ગૂલ થઇ જતા લોકોને બફારા સાથે ગરમીમાં રાત વિતાવવી પણ કઠીન બની જાય છે. તેમાંય ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ બિમાર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સોમવારની રાત્રિના સમયે ટાવર ચોક, જૂના જંક્શન, છબીલા હનુમાન સહિતના વિસ્તારોમાં એકાએક લાઇટો બંધ થઇ જતા લોકો અકળાયા હતા.
જુદા જુદા વિસ્તારોમાંથી લોકો ભેગા થઇને સુરેન્દ્રનગર પીજીવીસીએલની કચેરીએ રાત્રિના 12.30થી 1ના સમયગાળા દરમિયાન ધસી જઇને હલ્લાબોલ કર્યો હતો. અને લોકોએ જણાવ્યું કે, 5 કે 10 દિવસના સમયગાળામાં વારંવાર ફોલ્ટ થઇ જાય છે અને લાઇટો બંધ કરી દેવામાં આવે છે. અને આ ફોલ્ટ પણ તંત્ર દ્વારા પકડાતો નથી. કચેરીનો લેન્ડ લાઈન નંબર પણ એકબાજુ મૂકી દેવામાં આવે છે.
જ્યારે કચેરીનો મોબાઇલ નંબર પણ કોઇ ઉપાડતા નથી. અરજી કરવા આવીએ તો રાત્રે કોઇ અરજી લેતું નથી. આથી જો તમારા માણસો દ્વારા કામ ન થતું હોય તો કચેરીને તાળા મારી દો સાથે પીજીવીસીએલ હાય હાયના નારા લોકોએ લગાવ્યા હતા. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ આ બાબતની ગંભીરતા લઇને શહેરી વિસ્તારોમાં લાઇટો બંધ ન થાય તેમજ લોકોની મુશ્કેલીઓ દૂર થાય તેવી માગ કરી હતી.