13થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન બે સ્થળોએ જામશે મેળો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં બે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 13 થી 17 ઓગસ્ટ, 2025 દરમિયાન યોજાશે, જેમાં શહેરીજનો મનોરંજન અને ઉત્સાહનો અનુભવ કરી શકશે.
શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાનાર મેળો 30 હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલો હશે. અહીં મુલાકાતીઓ માટે વિવિધ સુવિધાઓ અને આકર્ષણો ઉપલબ્ધ રહેશે. 2 વોચ ટાવર, એક સીસીટીવી કંટ્રોલરૂમ, અને એક પોલીસ સ્ટોલ કાર્યરત રહેશે, જેથી મેળાની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રહે. મુલાકાતીઓની સુવિધા માટે 4 સેનિટેશન બ્લોક, નાના બાળકોની સંભાળ માટે 4 ઘોડીયાઘર (નર્સરી) અને યાદગાર પળો કેદ કરવા માટે સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવતા મુલાકાતીઓની સલામતી અને સુવિધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.બંને મેદાન માટે પ્રતિ મેદાન રૂ. 61 લાખની અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે. મેળાના આયોજન માટેના ટેન્ડરો 30 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3:30 વાગ્યે ખોલવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે માન્ય ટેન્ડરરો વચ્ચે હરાજી યોજાશે.
આ આયોજન સુરેન્દ્રનગરના નાગરિકોને જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવાનો એક સુવર્ણ અવસર પૂરો પાડશે.
- Advertisement -
સુવિધાઓનું વિશેષ ધ્યાન
રંગીન રાઈડ્સ: મેળામાં કુલ 23 મોટી રાઈડ્સ મૂકવામાં આવશે, જે યુવાનો અને બાળકો બંનેને રોમાંચિત કરશે.
સ્વાદિષ્ટ ફૂડ અને શોપિંગ: મેળામાં 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલ ગોઠવવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ વિવિધ પ્રકારના ભોજનનો સ્વાદ માણી શકશે અને ખરીદીનો આનંદ લઈ શકશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો: મનોરંજન પૂરું પાડવા માટે એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાં કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરશે.
વઢવાણ મેળાના મેદાન ખાતે પણ ઉમટશે જનમેદની
- Advertisement -
વઢવાણ મેળાના મેદાન ખાતે પણ જન્માષ્ટમીનો મેળો યોજાશે. અહીં મુલાકાતીઓ માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે: આ મેદાનમાં 12 મોટી રાઈડ્સ અને 14 નાના બાળકો માટેની રાઈડ્સ મૂકવામાં આવશે, જેથી દરેક વયજૂથના લોકો મનોરંજન માણી શકે. 9 આઈસ્ક્રીમ સ્ટોલ, 80 અન્ય સ્ટોલ અને 10 લારી વેપારીઓને સ્થાન આપવામાં આવશે, જે મુલાકાતીઓને વિવિધ વિકલ્પો પૂરા પાડશે. વઢવાણ મેદાનમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક સ્ટેજ તૈયાર કરવામાં આવશે.