સુરતમાં એક TRB જવાને ઈમાનદારીની એવી મિશાલ પુરી પાડી છે, જે સુરત ટ્રાફિક પોલીસને ગર્વ કરાવશે
સુરતમાં દંડ લેવા કે વાહન અટકાવવા જેવી વાતોને લઈને ટ્રાફિક પોલીસની હંમેશા લોકો ટીકા કરતા હોય છે. ત્યારે સુરતમાં એક TRB જવાને ઈમાનદારીની એવી મિશાલ પુરી પાડી છે, જે સુરત ટ્રાફિક પોલીસને ગર્વ કરાવશે. આજે ભટાર ચાર રસ્તા પર ટર્નિંગ પોઈન્ટ પર વળાંક લેતી વખતે એક મહિલાએ ગાડીની આગળ મુકેલું મોટું પર્સ રસ્તામાં જ પડી ગયું હતું.જોકે બાદમાં ત્યાં હાજર ટીઆરબી પોલીસના જવાનો જેમાં હેડ કોન્સ્ટેબલ કૈલાશભાઈ, લોકરક્ષક બળદેવ ગુરુજી, TRB જવાન રાહુલ પટેલની નજર આ પર્સ પર પડી હતી. TRB જવાને આ પર્સના માલિકને શોધવા તેને નજીકની ચોકી પર આપવાનું યોગ્ય સમજ્યું હતું. જેથી અઠવાગેટ પોલીસ ચોકી પર તેણે આ પર્સ પરત કર્યું હતું.
જ્યાં ચોકીના માણસોએ પર્સના માલિકનો પતો લગાવવા પર્સ ખોલ્યું તો તેમાં એક લાખ રૂપિયા જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પર્સની અંદર ઓરીજીનલ ડ્રાઈવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજ પણ હતા. જેના પરથી તેઓ માલિકને સંપર્ક કરી રહ્યા હતા. ત્યારે જ અડધા કલાકમાં પર્સના માલિક ત્યાં આવી પહોંચ્યા હતા. આમ, 1 લાખ રૂપિયા ભરેલી કિંમતનું પર્સ મહિલાને સુપરત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પર્સ પરત મેળવીને પર્સના માલિક મિત્તલબેન ઉમિયાગરને ખુશી થઈ હતી અને તેઓએ ટ્રાફિકના જવાનોનો આભાર માન્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનરને પણ આ બાબતની જાણ થતાં તેમણે ટ્રાફિકની આખી ટીમને બોલાવીને અભિનંદન પાઠવીને શાબાશી આપી હતી.